રાજસ્થાનની ગહેલોત સરકાર પર સંકટના વાદળ મંડરાઈ રહ્યા છે. સ્થિતિની ગંભીરતાને જોતાં સીએમ અશોક ગહેલોતે આજે પાર્ટીના ધારાસભ્યો પોતાના ઘરે બોલાવીને મીટિંગ કરી છે. આ સાથે મીટિંગ માટે વ્હિપ પણ જાહેર કર્યું છે. જેના આધારે મીટિંગમાં સામેલ નહીં થનારા ધારાસભ્યોની વિરુદ્ધમાં કાર્યવાહી કરાશે. આ સાથે જ સચિન પાયલટ પોતાના સમર્થકો સાથે દિલ્હીમાં જ છે અને આજે નવો મોરચો બનાવીને તેની જાહેરાત કરી શકે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે.
મળતી માહિતી અનુસાર સચિન પાયલટ આજે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી શકે છે. આ સાથે એવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે કે સચિન પાયલટ પણ જ્યોતિરાદિત્ય સિંધિયાના પગલે ચાલી શકે છે અને ભાજપમાં સામેલ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે રવિવારની સાંજે સચિન પાયલટે દિલ્હીમાં સિંધિયાના ઘરે તેમની મુલાકાત લીધી હતી. એટલે કે સચિન પાયલટ પોતાના સમર્થકો સાથે દિલ્હીમાં જ છે અને આજે નવો મોરચો બનાવીને તેની જાહેરાત કરી શકે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે.
કોંગ્રેસ પણ રાજસ્થાનમાં નેતૃત્વની ગંભીરતાને લઈને ચિંતિત છે. આ કારણ છે કે તેઓએ પાર્ટીના 4 વરિષ્ઠ નેતાઓને સ્થિતિ સંભાળવા માટે જયપુર મોકલ્યા છે. આ ચાર નેતાઓમાં રણદીપ સુરજેવાલા, અવિનાશ પાંડે, અજય માકન અને કેસી વેણુગોપાલનું નામ સામેલ છે.
કોંગ્રેસ મહાસચિવ અવિનાશ પાંડેનો દાવો છે કે રાજ્યના 109 ધારાસભ્યો મુખ્યમંત્રી અશોક ગહેલોતના સમર્થનમાં છે અને તેઓએ આ સંબંધમાં એક સમર્થનપત્ર પર હસ્તાક્ષર કર્યા છે. તેઓએ કહ્યું કે થોડા અન્ય ધારાસભ્યો પણ મુખ્યમંત્રી અશોક ગહેલોતનો સંપર્ક કરી રહ્યા છે અને તે પણ સમર્થન પત્ર પર સાઈન કરશે.