ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા 879 કેસ નોંધાયા છે. જેને લઇને રાજ્યમાં કુલ કેસનો આંકડો 41906 પર પહોંચ્યો છે. તો અત્યાર સુધીમાં 4,64,646 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ત્યારે ગુજરાતમાં હજુ પણ 11 જિલ્લાઓમાં કોરોના ટેસ્ટિંગની સુવિધા ન હોવાની માહિતી સામે આવી છે.
ગુજરાતમાં હાલ કોરોનાના નમૂના લઈને બાજુના જિલ્લા-શહેરમાં ટેસ્ટ કરાવવા મોકલવામાં આવે છે. જેમાં સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ અને મોરબીમાં હજુ પણ ટેસ્ટિંગ સુવિધા નથી જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સિવાય તમામ જિલ્લામાં ટેસ્ટિંગ ફેસેલિટી છે. ટેસ્ટિંગ ફેસેલિટીમાં સૌથી ખરાબ સ્થિતિ મધ્ય ગુજરાતની હોવાનું સામે આવ્યું છે.
આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુરમાં હજુ કોરોનાના ટેસ્ટ કરવાની કોઈ સુવિધા કરવામાં આવી નથી. મધ્ય ગુજરાતના ટેસ્ટનું મોટાભાગનું ભારણ વડોદરા પર છે. વડોદરામાં માતબર સંખ્યામાં ખાનગી લેબને ટેસ્ટિંગની મંજૂરી મળી છે. વડોદરા અને નર્મદા સિવાય મધ્ય ગુજરાતના 6 જિલ્લાઓમાં ટેસ્ટિંગ સુવિધા નથી. ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં સુવિધા પણ અરવલ્લીમાં હજુ પણ ન હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં કોરોના ટેસ્ટિંગ માટે કુલ 55 લેબોરેટરીને ICMRની માન્યતા છે.
છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 879 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ દર્દીઓનો આંકડો 41,906 પર પહોંચ્યો છે. તો કોરોનાથી રાજ્યનો મૃત્યુઆંક 2047 પર પહોંચ્યો છે. આજે 513 દર્દીઓ સાજા થયાં છે. આમ અત્યાર સુધીમાં કુલ 29,189 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાને કારણે ગત 24 કલાકમાં 13 દર્દીના મોત નિપજ્યા છે. આમ અત્યાર સુધીમાં 2047 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. જ્યારે રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 10661 છે.