કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં કોરોના વાયરસના કેસમાં ઉત્તરોત્તર વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે ગંભીર બનતી જઇ રહેલી સ્થિતિને ધ્યાને રાખીને રાજ્ય સરકારે આગામી 1 અઠવાડિયા સુધી સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરી છે.
કર્ણાટક સરકારે કરેલી જાહેરાત પ્રમાણે લૉકડાઉન મંગળવારે રાતે 8 વાગ્યાથી લાગૂ થશે. આ લૉકડાઉન બેંગલુરુના શહેરી તથા ગ્રામ્ય બંન્ને જિલ્લામાં આગામી 14 જુલાઇથી લઇને 23 જુલાઇ સુધી સવારે 5 વાગ્યા સુધી યથાવત રહેશે
સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર દેશમાં હાલમાં કુલ કેસમાંથી 2,83,407 એક્ટિવ કેસ છે અને 5,15,385 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. મૃતકોની સંખ્યા 22123 પહોંચી છે. 10 જુલાઈ સુધી 1,13,07,002 જેટલા સેમ્પલ લેવાયા છે અને તેમાંથી 2,82,511નું પરીક્ષણ શુક્રવારે કરાયું હતું. દેશમાં કોરોનાનો કુલ આંક 8 લાખને પાર પહોંચી ચૂક્યો છે.
આપને જણાવી દઇએ કે, કોરોનાના વધતા જતા કેસોને કારણે 13 થી 23 જુલાઇ સુધી પુણે અને પિંપરી-ચિંચવાડમાં વ્યાપક લોકડાઉન લાગુ કરવામાં આવશે. મહારાષ્ટ્ર સરકારે આજે જાહેરાત કરી હતી કે શહેરોમાં કોરોનોવાયરસના કેસમાં સતત વધારો થયો છે સરકારે કહ્યું હતું કે પુના અને પિંપરી-ચિંચવાડમાં લૉકડાઉન દરમિયાન ફક્ત દૂધની દુકાન, ફાર્મસી, ક્લિનિક્સ અને ઇમરજન્સી સેવાઓ આપવામાં આવશે.
દેશમાં ઝડપથી ફેલાતા કોરોના વાયરસના ચેપને ધ્યાનમાં રાખીને, ઘણી જગ્યાએ ફરીથી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશમાં, શુક્રવારની રાતથી 13 જુલાઇની સવારે 5 વાગ્યા સુધી લોકડાઉન ઓર્ડર આપવામાં આવ્યો છે.