જાપાનની કંપની સોનીએ દુનિયાનું સૌથી નાનું એર કન્ડિશનર બનાવ્યું છે. તેને શર્ટના ખિસ્સામાં રાખી શકાય છે. કંપનીએ તેને ‘રિઓન પોકેટ’ નામ આપ્યું છે. કંપનીએ દાવો કર્યો છે કે, આ એર કન્ડિશનરથી શરીરનું બહારનું તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી જાય છે. આ ડિવાઈસને શર્ટમાં કોલરની નજીક લગાવી શકાય છે. એક ડિવાઈસની કિંમત 9 હજાર રૂપિયા છે. તેની સાઈઝ સ્માર્ટફોન કરતાં પણ નાની છે.
કંપની પ્રમાણે, તેમાં હીટિંગ મોડ પણ છે, જે ઠંડીના દિવસોમાં શરીરને ગરમ રાખવામાં મદદ કરશે, રિઓન પોકેટમાં બેટરી રાખેલી છે. આ બેટરીને ચાર્જ કરી શકાય છે. ફોન સાથે તેને કનેક્ટ કરીને વાતાવરણ પ્રમાણે, તાપમાન વધારી કે ઘટાડી શકાય છે. જો યુઝર તડકામાં બહાર નીકળે છે તો મોબાઇલ એપની મદદથી એર કન્ડિશનર તાપમાન ઘટાડી શકે છે અને ઠંડીમાં વધારી પણ શકે છે.
ડિવાઈસમાં લિથિયમ આયર્ન બેટરી છે. રિઓન પોકેટ બ્લુટૂથ 5.0 LEને સપોર્ટ કરે છે. રિઓન પોકેટની બેટરી ચાર્જ થઇ ગયા પછી તે 90 મિનીટ સુધી ચાલે છે. કંપનીએ આ ડિવાઈસની જાહેરાત વર્ષ 2019માં કરી હતી, ટોક્યો 2020 ઓલિમ્પિક ગેમ્સમાં તેને લોન્ચ કરવાના હતા, કારણકે ટોક્યોમાં ઓલિમ્પિક ગેમ ગરમીમી સીઝનમાં યોજાવાની હતી. ટીશર્ટની સાથે એર કન્ડિશનરની કિંમત 9 હજાર રૂપિયા છે. તે પુરુષો માટે S, M અને L સાઈઝમાં જ ઉપલબ્ધ છે. આ પ્રોડક્ટ માત્ર જાપાનમાં જ અવેલેબલ છે.