દુનિયાભરમાં કોરોનાવાઈરસના કેસોની સંખ્યા 1 કરોડને પાર પહોંચી છે. અનેક દેશોમાં કોરોનાની રસી શોધવા અને તેની ચોક્કસ દવા શોધવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે. તેવામાં રશિયાની આર-ફાર્મ નામની ફાર્મા કંપનીને કોવિડ-19 ની સારવાર માટે ‘કોરોનાવિર’ દવાની મંજૂરી મળી છે. કંપનીનો દાવો છે કે આ દવા કોરોનાવાઈરસથી પીડિત લોકો પર અસરકારક છે. દવા કોરોનાવાઈરસના રેપ્લિકેશન અર્થાત વાઈરસની સંખ્યામાં થતા વધારાને રોકે છે.
કંપનીનો દાવો છે કે ‘કોરોનાવિર’ દેશની પ્રથમ દવા છે, જે સંપૂર્ણ રીતે કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે બની છે. દુનિયાભરમાં કોરોનાવાઈરસના કેસોની સંખ્ચા વધી રહી છે, તેની મૂળ સમસ્યાવાઈરસનો મૂળ છે. આ દવા વાઈરસના મૂળ સુધી હુમલો કરે છે અને શરીરમાં તેની સંખ્યામાં વધારો થવા દેતી નથી.
આર ફાર્મ કંપનીના જણાવ્યા પ્રમાણે, ક્લિનિકલ ટ્રાયલમાં કોરોના વાઈરસથી પીડિત દર્દીઓને 2 જૂથમાં વહેંચવામાં આવ્યા હતા. તેમાંથી 1 જૂથને ‘કોરોનાવિર’ દવા અપાઈ હતી અને બીજા જૂથને અન્ય થેરપી તેમજ દવા અપાઈ હતી. ટ્રાયલમાં આ બંને જૂથના લોકોનાં સ્વાસ્થ્યનું અવલોકન કરવામાં આવ્યું અને જોવા મળ્યું કે, અન્ય દવા અને થેરપીની સરખામણીએ આ દવા લેનારા દર્દીઓના સ્વાસ્થ્યમાં 55%નો સુધારો આવ્યો હતો.
કંપનીના દાવો છે કે આ દવા કોવિડ-19 લક્ષણો પર ફોકસ નથી કરતી પરંતુ વાઈરસને ટાર્ગેટ કરે છે. ટ્રાયલમાં દવાની અસર 14 દિવસ બાદ માલુમ પડી હતી. ક્લિનિકલ ટ્રાયલમાં જોવા મળ્યું કે, દર્દીઓને ‘કોરોનાવિર’ દવા આપ્યાના પાંચમાં દિવસે તેમનામાં કોરોનાવાઈરસ જોવા મળ્યો નથી.
આર-ફાર્મના મેડિકલ ડાયરેક્ટર ડૉ. મિખાયલ સોમસોનોવના જણાવ્યા મુજબ, ઘણા દેશોમાં થયેલાં દવાના ક્લિનિકલ ટ્રાયલમાં જોવા મળ્યું કે, ‘કોરોનાવિર’ સંક્રમણ અને વાઈરસના રેપ્લિકેશનને રોકે છે. રશિયાના સેન્ટ્રલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એપિડોમિયોલોજીના હેડ તાત્યાન રાયજેનત્સોવા જણાવે છે કે, ‘કોરોનાવિર’ દવાનું ટ્રાયલ મે મહિનામાં શરૂ થયું હતું. ત્યારે 110 દર્દીઓની સારવાર થઈ હતી. જોકે, દવાના ટ્રાયલનું રિસર્ચ કોઈ મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયું છે કે કેમ તેના વિશે તેમણે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી.