કોરોના સંકટની વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની સાથે ગેસના ભાવોએ પણ ગૃહિણીઓને મોટો ફટકાર આપ્યો હતો. હવે આ પછી ટામેટાની કિંમતોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
જૂન મહિનાની શરૂઆતમાં ટામેટા 20 રૂપિયે કિલો વેચાઈ રહ્યા હતા અને અત્યારે મોટાભાગના શહેરોમાં ટામેટાનો ભાવ 60-70 રૂપિયે કિલો જોવા મળી રહ્યો છે. એટલે કે છેલ્લા 1 મહિનામાં ટામેટાના ભાવમાં ત્રણગણો વધારો થયો છે. સતત વધતા ભાવોના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાતા મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે.
મંત્રાલય દ્વારા મળતી માહિતી અનુસાર ચેન્નઈ સિવાય મેટ્રો શહેરોમાં ટામેટાની કિંમતો 60 રૂપિયે પ્રતિ કિલો પહોંચી છે. એક મહિના અગાઉ આ કિંમતો 20 રૂપિયે પ્રતિ કિલો હતી. કેટલાક શહેરોમાં અત્યારે ટામેટા 60-70 રૂપિયે કિલો વેચવામાં આવી રહ્યા છે.
ટામેટાની કિંમતો વિશે પૂછતાં રામવિલાસ પાસવાને કહ્યું કે પાક યોગ્ય સમયે ન થયો હોવાના કારણે સામાન્ય રીતે જુલાઈથી સપ્ટેમ્બર સુધીમાં ટામેટાની કિંમતોમાં વધારો થયો છે. ટામેટા જલ્દી ખરાબ થતા હોવાનો ગુણ ધરાવે છે અને તેથી તેની કિંમતોમાં ઉતાર ચઢાવ આવી રહ્યા છે. તેઓએ કહ્યું કે સ્થિતિ સામાન્ય થતાં ભાવ પણ ઉતરશે.
વિશેષજ્ઞોનું કહેવું છે કે જ્યારે ટામેટાનો પાક ઓછો હોય છે અને માંગ વધારે હોય છે ત્યારે તેના ભાવમાં વધારો આવે છે. છેલ્લા પાંચ વર્ષથી આ સ્થિતિ જોવા મળી રહી છે.ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, પંજાબ, તમિલનાડુ, કેરલ, જમ્મૂ કાશ્મીર અને અરુણાચલ પ્રદેશ દેશના ઓછા ટામેટા ઉત્પાદન કરનારા રાજ્યો છે. તે અન્ય દેશો પર નિર્ભર કરે છે. સરકારી આંકડા અનુસાર દેશમાં લગભગ 1 કરોડ 97 લાખ ટન ટામેટાનું ઉત્પાદન થાય છે જ્યારે તેની માંગ 1 કરોડ 15 લાખ ટન છે.