દેશમાં લોકડાઉન વખતે ૩૧ માર્ચ પછી વેચવામાં આવેલા BS-IV વાહનોનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે નહીં તેવો આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો છે. BS-IV વાહનોનાં વેચાણ અને રજિસ્ટ્રેશન મામલે કોર્ટે ફરી એકવાર કડક વલણ અપનાવ્યું છે.
સુપ્રીમ કોર્ટના જજ અરુણ મિશ્રાનાં વડપણ હેઠળની બેન્ચે કહ્યું હતું કે, ૨૭ માર્ચે કોર્ટે આપેલા આદેશનો ભંગ કરવામાં આવ્યો હતો અને માર્ચના છેલ્લા અઠવાડિયામાં તેમજ તે પછીના મહિનામાં BS-IV વાહનોનું વેચાણ કેટલાક ડીલર્સ દ્વારા કરાયું હતું. કોર્ટે તે વખતે લોકડાઉન પછીના ૧૦ દિવસ જ ૧૦ ટકા BS-IV વાહનોનું વેચાણ કરવા મંજૂરી આપી હતી.
ડીલર્સે એવી ફરિયાદ કરી હતી કે લોકડાઉનને કારણે ૨૫ માર્ચથી ૩૧ માર્ચ સુધી તેઓ વાહનોનું વેચાણ કરી શક્યાં નથી. તેમની આ ફરિયાદને પગલે સુપ્રીમ કોર્ટે તેમને ફક્ત ૧૦ દિવસ વાહન વેચવા છૂટ આપી હતી.
કોર્ટે આ સંદર્ભમાં તેના અગાઉના આદેશનો સંદર્ભ ટાંક્યો હતો જેમાં નેશનલ લોકડાઉન હટાવી લેવામાં આવ્યા પછી દિલ્હી-એનસીઆર સિવાય દેશભરમાં ૧૦ દિવસ માટે BS-IV વાહનો વેચવા મંજૂરી અપાઈ હતી. ખોટી રજૂઆત કરીને કોર્ટના આદેશનો ગેરલાભ નહીં ઉઠાવવા કોર્ટે ઓટો ડીલર્સને તાકીદ કરી હતી.
કોર્ટે કડક શબ્દોમાં કહ્યું હતું કે તમે અમને મૂરખ બનાવી શકશો નહીં. તમે કૌભાંડ આચરીને કોર્ટના આદેશનો ગેરલાભ ઉઠાવી શકો નહીં. આ ફક્ત લોકડાઉનનો જ ભંગ નથી પણ અમારા આદેશનો ભંગ છે તેમ ત્રણ જજિસ અરુણ મિશ્રા, એસ અબ્દુલ નઝીર અને ઇન્દિરા બેનરજીની બેન્ચે કહ્યું હતું.