ઈન્સ્ટાગ્રામે ભારતમાં તેના નવા ફીચર ‘Reels’ની ટેસ્ટિંગ શરૂ કરી દીધી છે. ટિકટોકની જેમ જ કામ કરનાર આ ફીચર ભારતમાં રોલઆઉટ કરી દેવામાં આવ્યું છે. આ ફીચરને લઈને ભારતના કેટલાક યુઝર્સે જણાવ્યું કે તેમને એપમાં આ ફીચર મળી ગયું છે.
ભારતમાં આ ફીચર એવા સમયે આવ્યું છે જ્યારે સરકારે સૌથી પોપ્યુલર એપ ટિકટોક ભારતમાં બેન કરી દીધું છે. ભારત સરકારે Google Play Store અને Apple એપ સ્ટોરમાંથી ચીનની 59 એપ્સ હટાવી દીધી છે અને ભારતમાં તેને બેન કરી દીધી છે.
ઈન્ટાગ્રામે રીલ્સ ફીચરની ટેસ્ટિંગ ગયા વર્ષે બ્રાઝીલમાં શરૂ કરી હતી અને હાલમાં જ તેને ફ્રાંસ અને જર્મનીમાં એક્સપેન્ડ કરવામાં આવી છે. ફેસબુક ઈન્ડિયાના વીપી અને એમડી અજીત મોહને જણાવ્યું કે ઈન્સ્ટાગ્રામનું આ ફીચર છેલ્લા ઘણાં સમયથી આ ફીચર ભારતમાં લાવવાની તૈયારી કરી રહ્યું છે.
ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ ઘણી હદ સુધી ટિકટોકની જેમ જ કામ કરે છે. બસ ફરક એટલો જ છે કે આ સ્ટેન્ડઅલોન એપ નથી અને તેને ઈન્સ્ટાગ્રામ એપની અંદર જ ઈન્ટિગ્રેટ કરવામાં આવી છે. રીલ્સ ઈન્ટાગ્રામ સ્ટોરીઝના સેક્શનમાં પણ દેખાશે.
ટિકટોકની જેમ જ આના પર પણ યુઝર 15 સેકન્ડનો વીડિયો ક્રિએટ કરી શકશે. તેને ઓડિયો અથવા મ્યુઝિક ટ્રેક સાથે એડિટ પણ કરી શકાશે. સાથે જ તેમાં એઆર ઈફેક્ટ પણ છે. તેને ઈન્સ્ટાગ્રામની સ્ટોરી અને ડાયરેક્ટ મેસેજ પર પણ શેર કરી શકાશે.