સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર વધ્યો છે. ત્યારે હવે કોરોનાએ અમદાવાદ બાદ સુરતને બાનમાં લીધું છે. હાલ હીરાનગરી સુરતમાં કોરોનાના કેસનો આંક 6209 પર પહોંચ્યો છે. જેમાંથી 4109 સાજા થઇ ચૂક્યા છે. તો 188 દર્દીઓના મોત થઇ ચૂક્યા છે.
સુરતમાં હાલ 1912 કોરોનાના એક્ટિવ કેસ છે. તો મહામારીમાં લૉકડાઉનની અસર સુરતના હીરા ઉદ્યોગ, ટેક્સટાઇલ્સ અને અન્ય ધંધાઓમાં ભારે અસર પહોંચી છે. તો અનલૉક બાદ હજુ ધંધા પાટે ચડ્યા નથી ત્યાં શહેરમાં કોરોના ફાટી નીકળ્યો છે. જેથી અનલૉકમાં પરત આવેલા રત્નકલાકારો ફરી સૌરાષ્ટ્ર તરફ હિજરત કરી રહ્યા છે.
સુરતમાં મોટા પ્રમાણમાં હીરા ઉદ્યોગ ચાલી રહ્યો છે. આ ઉદ્યોગમાં સૌરાષ્ટ્રના લોકો સૌથી વધુ કામ કરી રહ્યા છે. ત્યારે કોરોનાના કારણે સમગ્ર દેશમાં લૉકડાઉન લાગૂ કરી દેવાયું હતું. તે સમયે ધંધા-રોજગાર ઠપ થઇ જતા લોકો પોતાના વતન તરફ જવા નિકળ્યા હતા. કોઇએ ચાલીને, કોઇએ પોતાના વાહન લઇને વતનની વાટ પકડી હતી.
જોકે ત્યાર બાદ અનલૉક 1 અને અનલૉક 2 લાગૂ થતા. લોકો પરત સુરત આવવા લાગ્યા હતા. પરંતુ લૉકડાઉનમાં મળેલી છૂટછાટ બાદ સુરતમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો થવા લાગ્યો છે. જેથી રાજ્ય સરકાર અને સ્થાનિકતંત્ર ચિંતામાં મુકાયું છે. તેવામાં હવે અનલૉકમાં પરત આવેલા રત્નકલાકારોની સૌરાષ્ટ્ર તરફ હિજરત ફરી શરૂ થઇ ચૂકી છે.
કોરોના મહામારીમાં દેશનું સૌથી મોટું સ્થળાંતર સુરતમાં શરૂ થઈ ગયું છે. અનલૉકમાં પરત આવેલા રત્નકલાકારો ફરી એકવાર સૌરાષ્ટ્ર તરફ હિજરત કરી રહ્યા છે. સુરતમાંથી રોજના 1500 પરિવારો સામાન ભરીને વતન પરત જઈ રહ્યા છે. સુરતમાં હીરા ઉદ્યોગના કારખાનેદારોની શેઠશાહીના કારણે લાખો લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
સરકારના આદેશ છતાં લૉકડાઉનમાં રત્નકલાકારોને પગાર પણ નથી ચૂકવવામાં આવ્યો. વીજ બિલ બચાવવા માટે કંપની માલિકો એક જ ઘંટી પર 4-4 લોકોને બેસાડવામાં આવી રહ્યા છે. સરકારે એક જ ઘંટી પર 2 લોકોને બેસાડવાની શરતી મંજૂરી આપી છે. એક તરફ આર્થિક સંકટ અને બીજી તરફ કોરોનાના સંક્રમણથી લોકો ચિંતાતૂર થયા છે.
સરકારે પગાર ચૂકવવા જે આદેશ કર્યો હતો. તેનો અમલ તો ન થયો પણ સરકારે પણ મદદ નથી કરી. જેના કારણે હવે સુરતના 5 લાખ રત્નકલાકારોનાપરિવાર પર અનલોક પછી પણ મોટુ સંકટ છે.