મુંબઈ પોલીસે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા મામલે બોલિવૂડ ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની પૂછપરછ કરી લીધી છે. ડીસીપી અભિષેક ત્રિમુખ અને તેમની ટીમે 6 જુલાઈએ ત્રણ કલાક સુધી સંજય લીલા ભણસાલીની પૂછપરછ કરી હતી. આ દરમિયાન સંજય લીલા ભણસાલીએ જણાવ્યું કે, 2016 બાદ તેઓ ત્રણ વખત ફિલ્મ શો દરમિયાન મળ્યા હતા. પણ આ દરમિયાન ફિલ્મો કરવાને લઈને તેમની સુશાંત સાથે કોઈ વાતચીત થઈ નહોતી.
સંજય લીલા ભણસાલીએ જણાવ્યું કે, વર્ષ 2013માં રામલીલા તથા વર્ષ 2015માં બાજીરાવર મસ્તાની માટે મેં બેવાર સુશાંતનો અપ્રોચ કર્યો હતો પરંતુ યશરાજ ફિલ્મ્સના કોન્ટ્રાક્ટને કારણે તે આ બંને ફિલ્મો સાઈન કરી શક્યો નહીં. ઉલ્લેખનીય છે કે, સુશાંતનું કરિયર કાઈ પો છે ફિલ્મથી શરૂ થયું હતું અને તે બાદ તેણે યશરાજ સાથે ટેલેન્ટ કોન્ટ્રાક્ટ સાઈન કર્યો હતો.
એ પછી તેણે શુદ્ધ દેશી રોમાન્સ ફિલ્મ કરી હતી. આ બંને ફિલ્મ બાદ સુશાંતની લોકપ્રિયતા વધી ગઈ હતી. આ જ દિવસો દરમિયાન ભણસાલીની મુલાકાત સુશાંત સાથે થઈ હતી અને ત્યારે તેણે તેમની મહત્વકાંક્ષી ફિલ્મ રામલીલા અને બાજીરાવ મસ્તાનીને લઈને સુશાંત સાથે વાત કરી હતી.
ભણસાલીની આ બંને ફિલ્મોથી દીપિકા અને રણવીર સિંહના કરિયરમાં ચાર ચાંદ લાગી ગયા એ વાત તો બધાં જાણે જ છે, પરંતુ ભણસાલીએ જણાવ્યું કે સુશાંત યશરાજ સાથે કોન્ટ્રાક્ટમાં હોવાને કારણે આ ફિલ્મો ન કરી શક્યો. પોલીસ જાણવા માગતી હતી કે આ બંને ફિલ્મમાંથી ડ્રોપ કર્યાં બાદ સુશાંત ડિપ્રેશનમાં જતો રહ્યો હતો કે નહીં. પણ હવે સવાલ એ છે કે, રણવીર સિંહ પણ યશરાજ સાથે કોન્ટ્રાક્ટમાં હતો તો તેને આ ફિલ્મો કેમ કરવા દીધી.