કોરોના વાયરસના કારણે લગભગ 3 મહિના સુધી ઘરમાં રહ્યા બાદ હવે લોકો ધીરે-ધીરે બહાર નીકળતા જોવા મળી રહ્યા છે. હવે નિયમો પહેલા કરતા હળવા કરવામાં આવ્યા છે અને ધીમે-ધીમે જનજીવન સામાન્ય થઈ રહ્યું છે. લોકો હવે સુરક્ષાના સાધનો સાથે ધીમે-ધીમે કામ પર જતા થયા છે. લોકોએ હવે ટ્રાવેલિંગ પણ શરૂ કર્યું છે અને એકથી બીજા શહેરમાં જઈ રહ્યા છે. પણ, હવે કોરોના દરમિયાન જ્યારે કોઈ વ્યક્તિ બીજા શહેરમાં જાય અને ત્યાં હોટેલમાં રહેવું કેટલું સુરક્ષિત છે?
હોટેલ એક એવી જગ્યા છે જ્યાં વધુ લોકોની અવરજવર રહે છે. જ્યાં લોકો બીજા શહેરમાંથી આવીને રહેતા હોય છે. આ સ્થિતિમાં કોરોના વાયરસના સંક્રમણની શક્યતાઓ પણ વધુ રહેલી છે. આપણે જાણીએ છીએ કે કોરોના વાયરસ ધરાવતા વ્યક્તિના સંપર્કમાં આવવાથી આ સંક્રમણ ફેલાય છે અને ત્યારે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જરૂરી છે. જ્યારે તમે હોટેલના રૂમમાં છો ત્યારે આ સોશિયલ ડિસ્ટન્સ શક્ય છે પણ જ્યારે રેસ્ટોરન્ટ અથવા હોટેલના પરિસરમાં જાઓ ત્યારે સંક્રમણની શક્યતાઓ રહેલી છે.
હોટેલના રૂમમાં સાફ-સફાઈથી લઈને અન્ય કર્મચારીઓ આવતા હોય છે. આ કારણે રૂમમાં પણ કોરોના વાયરસ સંક્રમણ ફેલાવાની શક્યતાઓ રહેલી છે. તમને એ વાતની ખબર નથી કે તમે હોટેલના જે રૂમમાં આવ્યા ત્યાં અગાઉ કોણ રોકાયું હતું, અને તે વ્યક્તિ કોરોના સંક્રમિત હતો કે નહીં તેની પણ માહિતી નથી હોતી. આ કારણે હોટેલમાં રહેવાથી કોરોના સંક્રમણની શક્યતાઓ વધી જાય છે.
જ્યારે પણ બહારગામ જાઓ અને હોટેલમાં રહેવાનું થાય ત્યારે માસ્ક પહેરી રાખો અને સમયાંતરે હાથ ધોતા રહો. આખરે આપણી સુરક્ષા છેલ્લે તો આપણા હાથમાં જ રહેલી છે. તમારી સાથે સેનેટાઈઝર રાખો અને જ્યારે પણ હોટેલના રૂમમાં પ્રવેશો ત્યારે નળ અને દરવાજાનું હેન્ડલ સાફ રાખો.
હોટેલમાં અન્ય કોઈ ચીજવસ્તુને અડતા પહેલા વિચારજો. ખાસ કરીને લિફ્ટના બટનને અડતા પહેલા ધ્યાન રાખજો. તમારા ચહેરા પર ક્યારેય હાથ લગાડશો નહીં. હોટેલના રૂમમાં બેસીને જમવાનો આગ્રહ રાખો. બહુ ઓછા લોકોના સંપર્કમાં આવો અને ધ્યાન રાખો. તમારી સાથે-સાથે હોટેલના મેનેજમેન્ટની પણ આ જવાબદારી રહેલી છે કે સંક્રમણ ફેલાય નહીં તેનું ધ્યાન રાખજો.