મહેશ ભટ્ટની 1990માં આવેલી સુપરહિટ ફિલ્મ ‘સડક’ની સીક્વલ ‘સડક 2’ હવે રિલીઝ માટે તૈયાર છે. ફેન્સ પણ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. બે દાયકા બાદ મહેશ ભટ્ટ આ ફિલ્મથી વાપસી કરી રહ્યાં છે. સાથે જ પહેલી વખત પોતાની દીકરી આલિયા સાથે કામ કર્યું છે. જોકે, રિલીઝ પહેલાં જ આ ફિલ્મ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે.
હકીકતમાં થોડાં દિવસ પહેલાં જ ફિલ્મનું ફર્સ્ટ લુક શેર કરવામાં આવ્યું હતું અને એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું કે આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવાાં આવી છે. જોકે, હવે સિકંદરપુરના રહેવાસી આચાર્ય ચંદ્ર કિશોર પરાશરે તેના વકીલ સોનુ કુમાર દ્વારા આલિયા ભટ્ટ, મહેશ ભટ્ટ અને પ્રોડ્યૂસર મુકેશ ભટ્ટ સામે સીજેએમમાં ફરિયાદ નોંધાવી છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મુકેશ કુમારે આ મામલાની સુનાવણી 8 જુલાઈએ નક્કી કરી છે. આ કેસ આઈપીસીની કલમ 295એ (ઇરાદાપૂર્વક ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા) અને 120 બી (ગુનાહિત કાવતરું) હેઠળ નોંધવામાં આવ્યો છે. ફરિયાદીએ ફિલ્મના પોસ્ટરમાં કૈલાશ માનસરોવરની તસવીરનો ઉપયોગ કરવા માટે કેસ દાખલ કર્યો છે.
જ્યારે ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું ત્યારે આલિયાએ જણાવ્યું હતું કે તેમાં કૈલાશ માનસરોવરની તસવીર કેમ લેવામાં આવી. તેણે કહ્યું હતું કે, ‘કૈલાસ પર્વત પર દેવતાઓ અને ઋષિઓનાં ચરણો છે. આ દેવોના દેવ ભગવાન શિવનો નિવાસ છે. તો શું આ પવિત્ર સ્થાન પર અન્ય કોઈ વસ્તુ કે એક્ટરની જરૂર છે? સમયની શરૂઆતથી માનવતાને કૈલાસમાં તેનું આશ્રય મળ્યું. આ તે સ્થાન છે જ્યાં બધી શોધ સમાપ્ત થાય છે અને સડક 2 એ પ્રેમનો માર્ગ છે.