ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તણાવ વધી રહ્યો છે. ચીનને દરેક સ્તર પર જડબાતોડ જવાબ આપવા માટે ભારત સરકાર અને સેના એક બાદ એક તાબડતોડ નિર્ણયો લઇ રહી છે. દુનિયામાં જ્યાં એક તરફ ‘ભૂમાફિયા’ ચીન એકલું પડી ગયું છે ત્યાં હવે ભારતે રશિયા પાસેથી હથિયારો ખરીદવાને મંજૂરી આપી દીધી છે. રશિયા પાસેથી ફાઈટર જેટ ખરીદવા સિવાય પણ અન્ય કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવે છે.
ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ભારતના રક્ષા મંત્રાલય દ્વારા હજારો કરોડ રૂપિયાના નવા હથિયારોના અધિગ્રહણને મંજૂરી આપી દીધી છે. ભારત રશિયા પાસેથી 33 નવા એરક્રાફ્ટ ખરીદશે જેમાં 12 નવા Su-30MKI અને 21 MiG-29નો સમાવેશ થાય છે. આ સિવાય 59 વર્તમાન MiG-29 એરક્રાફ્ટનું અપગ્રેડેશન કરવામાં આવશે. આ એરક્રાફ્ટ અને અપગ્રેડેશનમાં 18,148 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે.
રક્ષા મંત્રાલયે ભારતીય વાયુસેના અને નૌસેના માટે 248 એક્સ્ટ્રા બિયોન્ડ વિઝુઅલ રેંજની હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઈલના અધિગ્રહણની મંજૂરી આપી. DRDO દ્વારા તૈયાર કરાયેલ એક નવી 1000 કિમીની સ્ટ્રાઈક રેંજ લેન્ડ અટેક ક્રૂઝ મિસાઈલના ડીઝાઈન અને વિકાસને પણ મંજૂરી આપી દેવામાં આવી છે.
રક્ષા મંત્રાલયની કાઉન્સિલ દ્વારા કુલ 38, 900 કરોડ રૂપિયાનાં પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે જેમાં 31,130 કરોડ રૂપિયાનું અધિગ્રહણ ભારતીય ઉદ્યોગથી જ થશે. આ સિવાય પિનાકા રોકેટ લોન્ચર માટે દારૂગોળો ખરીદવા, BMP કોમ્બેટ વ્હિકલને અપગ્રેડ કરવાને મંજૂરી આપવામાં આવી છે. આર્મી માટે સોફ્ટવેર પરિભાષિત રેડિયો પણ ખરીદવામાં આવશે.
એક તરફ જ્યાં ભારતની સીમાને સુરક્ષિત કરવા માટે મોટા નિર્ણયો લેવાઈ રહ્યા છે ત્યારે આર્થિક રીતે પણ ચીનને પછાડવા માટે ભારત સરકારના વિવિધ મંત્રાલયો નિર્ણયો લઇ રહ્યા છે. ભારતે હવે ચીનના બહિષ્કારનું મન બનાવી લીધું છે જેના કારણે ડ્રેગન હાંફળુફાંફળુ થઇ ગયું છે.