ગુજરાતમાં લાગુ કરવામાં આવેલ અનલોક-2માં સૌથી મહત્વના નિર્ણય રાજ્યમાં ST બસ સેવાની સર્વિસને રાબેતા મુજબ કરવાને લઇને લેવામાં આવ્યો. જેમાં ગઇકાલથી હવે એક્સપ્રેસ બસની સેવા શરૂ કરવામાં આવી. જ્યારે આજથી અમદાવાદ શહેરનું સૌથી વધુ ધમધમતુ એસટી બસ સ્ટેન્ડ ગીતા મંદિર શરૂ કરવામાં આવ્યું. જો કે તેમ છતાં સુરત શહેરમાં વધતા કેસને લઇને સુરતથી આવતી તેમજ અમદાવાદથી સુરત જતી તમામ એસટી બસ સેવા સ્થગિત કરી દેવામાં આવી છે.
ST બસ સંચાલનને લઇને મહત્વના સમાચાર સામે આવ્યાં છે. સુરતથી અમદાવાદ તરફ આવતી બસોને AMCની હદમાં પ્રવેશ પર રોક લગાવી દેવામાં આવી છે. જ્યારે અમદાવાદથી સુરત જતી બસો પર પણ રોક લગાવવામાં આવી છે.સુરતમાં વધી રહેલા કોરોનાના કેસોને લઇને નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ સુરતમાં વધતા કોરોનાના કેસો ચિંતાનો વિષય છે.
ઉલ્લેખનીય છે કે 3 મહિના બાદ ગીતા મંદિર ST બસ ડેપો શરૂ થતાં જુદા-જુદા રૂટ પર બસ દોડાવામાં આવી રહી છે. જો કે હજુ પણ ગીતા મંદિર ST બસ ડેપોથી સૌરાષ્ટ્ર સિવાયના તમામ રૂટ પરની બસ મળશે.
મહત્વનું છે કે, ગઇકાલથી અમદાવાદ સહિત રાજ્યમાં 2 હજાર 325 એક્સપ્રેસ બસ સેવા શરૂ થઇ ચૂકી છે. જેમાં રોજના 5 લાખ મુસાફરો સવારી કરી લાભ લેશ તેવી શક્યતાનું અનુમાન લગાવામાં આવ્યું છે. અત્યાર સુધી માત્ર 30 ટકા બસો ચાલુ હતી તે તાલુકાથી તાલુકામાં મુસાફરી કરતી હતી પરંતું હવે એક્સપ્રેસ બસ સેવા શરૂ થતાની સાથે રાજ્યભરમાં બસો દોડતી થશે. એક્સપ્રેસ બસ મુખ્ય સ્ટેશનથી મુખ્ય સ્ટેશન વચ્ચે ક્યાય ઊભી રહેશે નહીં.
જે મોટો ડેપો હશે અને જ્યાં ટેમ્પરેચર ગનની વ્યવસ્થા હશે તેવા સ્ટેશન પર જ બસ રોકાશે. રાજ્યમાં અનલૉક વન બાદ બસ સેવાનું પ્રારંભ કરાયો હતો પરંતુ તે સેવા માત્ર તાલુકાથી તાલુકા પૂરતી હતી પરંતુ હવે સમગ્ર ગુજરાતમાં એક્સપ્રેસ બસો શરૂ કરાય છે. અત્યાર સુધી બે લાખ 75 હજાર લોકો રોજના બસ સેવાનો લાભ લઈ શકતા હતા પરંતુ એક્સપ્રેસ બસ સેવા શરૂ થતાની સાથે રાજ્યના પાંચ લાખ લોકો બસ સેવાનો લાભ લઈ શકશે.