લદાખમાં ભારત અને ચીન વચ્ચે સંઘર્ષ સતત વધી રહ્યો છે. ભારતની સેના નફફટ ચીનને જવાબ આપવા તૈયાર છે ત્યાં દેશમાં ચીનનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. ભારત સરકાર દ્વારા પણ હવે ચીનનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે ત્યારે નીતિન ગડકરીએ નિર્ણય લીધો છે કે હવે ચીની કંપનીઓને દેશમાં હાઈવે માટે કોઈ પ્રોજેક્ટમાં સામેલ કરવામાં આવશે નહીં.
ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ભારત સરકારનાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે ભારતનાં હાઈવે પ્રોજેક્ટમાં હવે ચીની કંપનીઓ સામેલ થઇ શકશે નહીં. જો કોઈ ચીની કંપની ભારતની કોઈ કંપની સાથે જોઈન્ટ વેન્ચર કરીને બોલી લગાવે છે તો પણ તેને સામેલ કરવામાં આવશે નહીં. ગડકરીએ કહ્યું કે સરકાર તે સુનિશ્ચિત કરશે કે ચીની રોકાણકારોને સૂક્ષ્મ અને લઘુ અને મધ્યમ ઉદ્યમો એટલે કે MSMEના ક્ષેત્રમાં રોકાણ કરતા રોકવામાં આવે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈને નીતિન ગડકરીએ કહ્યું કે અમે માર્ગ નિર્માણ માટે ચીની ભાગીદારી વાળા સંયુક્ત ઉદ્યમીઓને અનુમતી નહીં આપીએ. ખૂબ જલ્દી તેને સંબંધિત નીતિ લાવવામાં આવશે. જેમાં ચીની કંપનીઓ પર પ્રતિબંધ અને ભારતીય કંપનીને રાજમાર્ગ પરિયોજનાઓમાં છૂટ આપવાના નિયમો નક્કી કરવામાં આવશે. નોંધનીય છે કે હાલ પણ અમુક એવી પરિયોજનાઓ છે જેમાં ચીનની કંપનીઓ સામેલ છે ત્યારે નીતિન ગડકરીએ કહ્યું કે આ નિર્ણય નવા પ્રોજેક્ટ પર જ લાગુ પડશે.
નોંધનીય છે કે BSNL અને MTNLએ પોતાનું 4G ટેન્ડર રદ્દ કરી દીધું છે. ત્યારે હવે ફરી એકવાર નવું ટેન્ડર જાહેર કરવામાં આવશે. સરકારે BSNL અને એમટીએનએલને ચીનની કંપનીઓ પાસેથી સામાન ન ખરીદવાના નિર્દેશ આપ્યા હતા. ત્યારબાદ ટેન્ડરને કેન્સલ કરવામાં આવ્યું છે.