CBSE બોર્ડના ધો 10 અને 12ની બાકી રહેલા 29 મૂળ વિષયોની પરીક્ષા 1થી 15 જુલાઈની વચ્ચે થવાની હતી પરંતુ કોરોનાના વધતાં આંકડાઓને જોતા હવે આ પરીક્ષાઓ રદ્દ કરવાનો નિર્ણય કરાયો છે.
બૉર્ડની પરીક્ષા હવે લેવાઇ જાય તે માટેની અરજીની સુનાવણી સુપ્રિમ કોર્ટમાં ચાલી રહી છે. મહારાષ્ટ્ર, દિલ્હી, ઓડિશાએ પરીક્ષા ન થાય તેવી માગ કરી છે જ્યારે સૉલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે જુલાઇ મહિનામાં પરીક્ષા લેવાવાની હતી તે પરીક્ષાને કેન્સલ કરી દેવામાં આવી છે.
આવામાં એ પણ નક્કી કરાયું છે કે પરિસ્થિત સુધર્યા બાદ ધો.12ની પરીક્ષા લેવાશે અને તેમાં વિદ્યાર્થી પોતે ઈચ્છે તો સ્વૈચ્છિક રીતે પરીક્ષા આપશે. જો પરીક્ષા નહીં આપે તો છેલ્લી ત્રણ પરીક્ષાઓને આધારે મૂલ્યાંકન કરાશે. તમને જણાવી દઈએ કે, બાકીની સીબીએસઈ બોર્ડની પરીક્ષા અંગે કેટલાક ઉમેદવારોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
આ સાથે બીજી બાજુ ICSE બોર્ડે પણ ધો.10 અને 12ની પરીક્ષાઓ રદ્દ કરી હતી. જો કે આ બોર્ડ પાછળથી વિદ્યાર્થીઓને પરીક્ષાનો વિકલ્પ નહીં આપવાનો નિર્ણય લીધો છે એટલે કે હવે પરીક્ષા નહીં યોજાય. બંને બૉર્ડની પરિક્ષા રદ્દ થઇ હોય તેવુ કદાચ ઇતિહાસમાં પહેલી વાર બન્યું છે.
હવે બાકીની પરીક્ષાઓ રદ થઈ ગઈ છે, એવું માનવામાં આવી રહ્યું છે કે બોર્ડ જુલાઇના અંત સુધીમાં પરિણામ જાહેર કરશે. જણાવી દઈએ કે ગયા વર્ષે 12 મી પરીક્ષાનું પરિણામ 2 મેના રોજ જાહેર કરાયું હતું, જ્યારે દસમાની પરીક્ષાનું પરિણામ 6 મેના રોજ આવ્યું હતું.
કોરોનાવાયરસને કારણે દેશમાં લૉકડાઉન જાહેર કર્યું તે પહેલાં જ CBSEની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ હતી. જોકે, લોકડાઉન બાદ કેટલીક પરીક્ષાઓ મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બાદમાં નિર્ણય લેવામાં આવ્યો કે ધોરણ 10 અને 12 ના 29 કોર વિષયોની પરીક્ષાઓ 1 જુલાઈથી 15 જુલાઇ દરમિયાન લેવામાં આવશે.
માનવ સંસાધન વિકાસ પ્રધાન રમેશ પોખરીયલ નિશાંકે પણ આ માટે એક ડેટા શીટ બહાર પાડી હતી. આ અંતર્ગત દસમાની પરીક્ષા ફક્ત ઉત્તર-પૂર્વ દિલ્હીના વિસ્તારોમાં જ લેવાની હતી, જ્યાં હિંસાના કારણે પરીક્ષાઓ લેવામાં આવી ન હતી. તે જ સમયે, દેશભરમાં 12માની પરીક્ષાઓ લેવાનું નક્કી થયું. જો કે, કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને આ પરીક્ષાઓને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.