ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસના સંક્રમણની સ્થિતિ અંગે તાગ મેળવવા રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યૂઅલ મીટિંગ બોલાવી. આ મીટિંગ દરમિયાન શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં બે મિનિટનું મૌન રાખવામાં આવ્યું.
પીએમ મોદીએ કહ્યું કે, હું રાષ્ટ્રને આશ્વસ્ત કરવા માંગું છું કે આપણા જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાય. આપણા માટે, દેશની એકતા અને સંપ્રુભતા સૌથી અગત્યના છે. ભારત શાંતિ ઈચ્છે છે પરંતુ જો ઉશ્કેરવામાં આવશે તો તે જવાબ આપવામાં સક્ષમ છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સમગ્ર દેશ તે લોકોના પરિવારની સાથે છે જેઓએ દેશ માટે પોતાનું બલિદાન આપ્યું છે. ભારત પોતાના ક્ષેત્રના દરેક ઇંચ, દરેક પથ્થરનો બચાવ કરશે. ભારત એક શાંતિપ્રિય દેશ છે જેને હંમેશા પડોશી દેશોની સાથે સહકાર અને મૈત્રીપૂર્ણ સંબંધ કાયમ રાખવાનો પ્રયાસ કર્યો છે.
PM મોદીએ વધુમાં કહ્યું કે, જ્યારે પણ આવી કોઈ સ્થિતિ ઊભી થાય છે, આપણે ભારતને એકજૂથ રાખવા માટે આપણી તાકાત દર્શાવી છે, અમે પ્રયાસ કર્યો છે કે, વિવાદોની વચ્ચે મતભેદ ન આવે.
ઉલ્લેખનીય છે કે, બંને દેશો વચ્ચે ઊભી થયેલી સ્ફોટક સ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 19 જૂને સર્વપક્ષીય બેઠક બોલાવી છે. ભારત-ચીન સરહદની સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે આ બેઠક બોલાવવામાં આવી છે. 19 જૂને સાંજે 5 વાગ્યે આયોજિત થનારી આ વર્ચ્યૂઅલ બેઠકમાં અનેક પાર્ટીઓના પ્રમુખો સામેલ થઈ શકે છે.