સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના મામલે બોલિવૂડના આ 8 મોટા માથા સામે બિહારની એક અદાલતમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના આ 8 મોટા માથા સામે દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
વકીલ સુધીર કુમાર ઓઝાએ બિહારના મુજફ્ફરપુરની એક અદાલતમાં અભિનેતા સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યાના મામલે ફરિયાદ દાખલ કરાવી છે. આ ફરિયાદ 306, 109, 504 અને 506 હેઠળ નોંધવામાં આવી છે. એટલે કે સુશાંત સિંહને આત્મહત્યા કરવા પ્રેરવા બદલ આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
કરણ જોહર, સંજય લીલા ભણસાલી, સલમાન ખાન અને એકતા કપૂર સહિત 8 લોકોની વિરુદ્ધ આ ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે સુશાંત સિંહને લગભગ 7 ફિલ્મોમાંથી હટાવવામાં આવ્યા હતા જેમાંથી તેની કેટલીક ફિલ્મો રિલીઝ થઈ નહોતી. આવી સ્થિતિએ તેમને આત્મહત્યા કરવા મજબૂર કર્યો હોવાનો દાવો વકીલ સુધીર કુમાર ઓઝાએ ફરિયાદમાં કર્યો છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ભાજપના સાંસદે નિશીકાંત દુબે આક્ષેપ કર્યો હતો કે ‘મુંબઈમાં એક વિશાળ સિન્ડિકેટ કાર્યરત છે. ભાઈચારો પ્રભુત્વ ધરાવે છે. તેમણે મહારાષ્ટ્ર પોલીસને અપીલ કરી હતી કે ‘જે નિર્માતાઓએ સુશાંત સિંહ રાજપૂતને બૅન કર્યા હતા અથવા તેમને ફિલ્મમાંથી બહાર કાઢ્યા હતા અને સુશાંતને આત્મહત્યા માટે પ્રેરિત કરવાના ગુના માટે કેસ ચલાવવો જોઇએ.
સુશાંતના નિધન બાદ લોકો બોલિવૂડ પર આરોપ લગાવી રહ્યાં છે અને લોકો રોષે ભરાયા છે કે, બોલિવૂડમાં નેપોટિઝ્મને કારણે સુશાંતની આ હાલત થઈ છે. લોકો સોશિયલ મીડિયા પર કરણ જોહર, આલિયા ભટ્ટ અને સલમાન ખાનને લઈને નેગેટિવ પોસ્ટ કરી રહ્યાં છે.