રાજ્ય કોરોના સામે લડી રહ્યુ છે ત્યારે આ મહામારીના સમયમાં લેવાયેલા લૉકડાઉનના પગલાની અસરો અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે ઉદ્યોગો, કંપનીઓ, પેટ્રોલ પંપો, એસ.ટી. નિગમ અને કોરોનાની સારવાર પાછળના ખર્ચને લઇને સરકારની તિજોરી પર ભાર પડ્યો છે તેમ જણાવ્યું હતું.
લૉકડાઉનમાં રાજ્ય સરકારની આવક ઓછી થઇ અને ખર્ચ વધ્યો છે. ત્યારે નીતિન પટેલે રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારા અંગે જાહેરાત કરી છે.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, લૉકડાઉનના કારણે વેપાર ધંધા બંધ હતા, જેથી વેરા-જીએસટીની આવકમાં ઘટાડો થયો છે. જેથી પેટ્રોલ-ડીઝલની આવકમાં પણ ઘટાડો થયો છે. ઉદ્યોગો, ઇંધણથી થતી આવકમાં ગાબડું પડ્યું છે. રાજ્ય સરકારની આવકમાં પણ ઘટાડો થયો છે.
ત્યારે નાયબ મુખ્યમંત્રીએ મહત્વની જાહેરાત કરતા કહ્યું કે, રાજ્યમાં આજે મધરાતથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો વધારો થશે. રાત્રે 12 વાગ્યા બાદ ભાવ વધારો અમલી બનશે. અઢિયા કમિટિના સૂચન બાદ રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂપિયા 73.96 થશે. પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાથી રૂપિયા 1500થી 1800 કરોડનો ફાયદો થશે. મહત્વનું છે કે, કોરોનાથી રાજ્યની GSTની આવકમાં મોટો ઘટાડો થયો હતો.
નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યસરકાર તરફથી અપાતી બોર્ડ નિગમોને મદદ પહોંચાડી દેવાઈ છે. એસટી બંધ હોવા છતાં તેમના કર્મચારીઓને પગાર આપવામાં આવ્યો છે. 5 લાખ કર્મચારીઓના પગાર ભથ્થા નિયમિત પ્રમાણે અપાયા છે.
કોરોનાના કારણે સરકાર પર વધારાનો ખર્ચ આવ્યો છે. કોરોના હોસ્પિટલ ઉભી કરવા ઉપરાંત દર્દીઓની સારવારનો ખર્ચ થયો છે. ગુજરાતમાં સરકારની મુખ્ય આવક જીએસટીમાંથી થાય છે, પરંતુ વેટની 8500 કરોડની આવકમાં ઘટાડાનો અંદાજ છે. ત્યારે લૉકડાઉનમાં આવક ઘટી પરંતુ સરકારનો ખર્ચ સામાન્ય કરતા વધ્યો છે.