ઉનાળો એટલે અથાણાંની સીઝન. ઉનાળા દરમિયાન તમે વિવિધ પ્રકારના અથાણાં બનાવતા હશો. કાચી કેરીમાંથી ખાટું-ગળ્યું અથાણું તો તમે બનાવ્યું જ હશે. આજે તમને એક અલગ જ પ્રકારનું અથાણું બનાવતા શીખવીશું. એ છે કાચી કેરી, લસણ અને આદુનું અથાણું. આ ચટપટું અથાણું ઈન્સ્ટન્ટ છે, બનાવીને તરત જ ખાઈ શકો છો. આ અથાણું બનાવવામાં વધુ સમય પણ નથી લાગતો.
સામગ્રી
- 100 ગ્રામ આદુ
- 200 ગ્રામ લસણ
- 250 ગ્રામ કાચી કેરી
- મીઠું સ્વાદ અનુસાર
- 2 ટેબલસ્પૂન મરચું
- 1/4 ચમચી હીંગ
- 150 ગ્રામ તેલ
બનાવવાની રીત
સૌપ્રથમ આદુ, લસણ અને કાચી કેરીને અધકચરા વાટી લો. હવે તેલ ગરમ મૂકો. તેમાં હીંગ નાખો. હવે તેમાં લસણ ઉમરો. લસણને 2-3 મિનિટ સુધી સાંતળો પછી તેમાં આદુ ઉમેરો. લસણ અને આદુને મિક્સ કરીને 2-3 મિનિટ હલાવો. ત્યારબાદ તેમાં અધકચરી વાટેલી કાચી કેરી ઉમેરો. પછી તેમાં મરચું અને મીઠું ઉમેરો. હવે ધીમી આંચે પાંચથી સાત મિનિટ સુધી આ મિશ્રણને હલાવતા રહો. તૈયાર છે તમારું તીખું અને ખાટું આદુ લસણ કેરીનું અથાણું.અથાણું ઠંડું પડે એટલે કાચની બરણીમાં ભરી લો. 2-3 મહિના સુધી આ અથાણું સારું રહેશે.અથાણું લાંબો સમય સુધી તાજું રાખવા તેલ વ્યવસ્થિત લેવું, મતલબ કે અથાણું સહેજ ડૂબેલું રહે તેટલું તેલ રાખવું.