દેશ કોરોના સંકટથી પસાર થઇ રહ્યો છે ત્યારે પૃથ્વીરાજ ચવ્હાણના એક ટ્વીટ બાદથી મંદિરોના સોનાના ભંડાર મુદ્દે વિવાદ છેડાયો છે. સોશિયલ મીડિયામાં સંકટના સમયમાં દાનમાં મળેલ સોનાનો ઉપયોગ કરવો કે નહીં તેના પર ચર્ચાઓ થઇ રહી છે.
ત્યારે એક અહેવાલમાં ધાર્મિક સંસ્થાનોના ટ્રસ્ટ પાસે રિઝર્વ સોના અંગે ચોંકાવનારી વિગત સામે આવી છે.એક અહેવાલ મુજબ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના એક અંદાજ પ્રમાણે દેશનાં મંદિરોમાં બે હજાર ટન સોનું છે.
વિવિધ અહેવાલોમાં અંદાજોમાં આ રિઝર્વ 3 થી 4 હજાર ટનનું પણ બતાવવામાં આવ્યું છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અનુસાર દેશની રિઝર્વ બેંક પાસે જેટલું સોનું છે તેના કરતા પણ ત્રણ ગણું સોનું દેશના મંદિરો પાસે છે. જૂન 2019ના અહેવાલ મુજબ RBI પાસે 618 ટન સોનું ઉપલબ્ધ છે.
આશરે બે અઠવાડિયા પહેલાં મહારાષ્ટ્રના પૂર્વ CMના એક ટ્વીટ બાદ દેશના મંદિરોના સોના મુદ્દે વિવાદ છેડાયો હતો. તેમણે કહ્યું હતું કે દેશના મંદિરો પાસે એક ટ્રિલિયન ડોલરથી વધારે સોનું છે. ભારત સરકારે આ સોનાનો ઉપયોગ કરવો જોઈએ. આપાતકાલની પરિસ્થિતિમાં સરકાર ગોલ્ડ બોન્ડ્સના માધ્યમથી ઓછા વ્યાજદર પર સોનું ઉધાર લઇ શકે છે.