વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, કોરોના વાઈરસના દર્દીઓ 11 દિવસ બાદ સંક્રમણ નથી ફેલાવતા, ભલે તેઓ 12મા દિવસે કોરોના પોઝિટિવ હોય. સિંગાપોર નેશનલ સેન્ટર ફોર ઈન્ફેક્શન ડિસીઝ એન્ડ એકેડમી ઓફ મેડિસીનના રિસર્ચમાં આ વાત સામે આવી છે.
અત્યાર સુધી એવું માનવામાં આવતું હતુ કે, કોરોના દર્દીઓ જ્યાં સુધી પોઝિટિવ હોય છે ત્યાં સુધી તેઓ સંક્રમણ ફેલાવી શકે છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, લક્ષણ દેખાય તેના 2 દિવસ પહેલા કોરોના દર્દીઓ સંક્રમણ ફેલાવી શકે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, રિસર્ચ દરમિયાન જોવા મળ્યું કે કોરોના દર્દીઓમાં લક્ષણો દેખાવાના 7થી 10 દિવસ સુધી સંક્રમણ ફેલાવવાની ક્ષમતા હોય છે.
સિંગાપોર નેશનલ સેન્ટર ફોર ઈન્ફેક્શન ડિસીઝે લગભગ 73 કોરોના દર્દીઓ પર રિસર્ચ કર્યું જે દરમિયાન તેમને નવી જાણકારી મળી હતી. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, 11 દિવસ બાદ કોરોના વાઈરસને આઈસોલેટ કરી શકાતો નથી.
વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, લક્ષણ દેખાવાના એક સપ્તાહ બાદ કોરોના દર્દીઓમાં એક્ટિવ વાઈરલ રેપ્લિકેશન ઘટવા લાગે છે. નવી જાણકારીના આધાર પર હોસ્પિટલો દર્દીઓને ક્યારે ડિસ્ચાર્જ કરવા તે અંગે નિર્ણય લઈ શકે છે.
અમેરિકા સહિત દુનિયાના ઘણા દેશોમાં બે વખત નેગેટિવ ટેસ્ટ આવ્યા બાદ ડોક્ટરો એવું માને છે કે કોરોના દર્દી સાજો થઈ ગયો છે. જો કે, સિંગાપોરમાં કરવામાં આવેલ રિસર્ચની સેમ્પલ સાઈઝ નાની હતી પરંતુ નવી જાણકારી ડોક્ટરો માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. સિંગાપોરના NCIDના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર લિઓ યી સિનના જણાવ્યા પ્રમાણે, સેમ્પલ સાઈઝ નાની હોવા છતાં નવી જાણકારીને લઈને સંશોધકોને વિશ્વાસ છે.
રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, મોટા સેમ્પલ સાઈઝમાં પણ આવા જ પરિણામ જોવા મળ્યા છે. લિઓ યી સિનના જણાવ્યા પ્રમાણે, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી મને વિશ્વાસ છે, આ વિશે પૂરતા પુરાવા છે કે કોરોના દર્દીઓ 11 દિવસ બાદ સંક્રમિત નથી હોતા.