બિસ્કીટ બાળકોના પ્રિય હોય છે,પરંતુ બિસ્કીટ મેદાના લોટમાંથી બને છે. તેથી નાના બાળકો તે સરળતાથી પચાવી શકતા નથી. તેથી જ તો મમ્મીઓ પોતાના બાળકોને બિસ્કીટ આપવામાં અચકાતી હોય છે. જો કે, હવે ટેન્શન લેવાની જરૂર નથી. આજે જોઇએ ઘઉંના લોટમાંથી બિસ્કીટ બનાવવાની એકદમ ઇઝી રેસિપી
સામગ્રી
- 1/2 કપ ઘઉંનો લોટ
- 1/2 કપ દળેલી ખાંડ
- 50 ગ્રામ બટર અથવા ઘી
- 2 ટે. સ્પૂન દૂધ
- 1 ટે . સ્પૂન બેકિંગ પાઉડર
- બે ચપટી મીઠું
બનાવવાની રીત
એક બાઉલમાં ઘઉંનો લોટ, દળેલી ખાંડ, બેકિંગ પાઉડર, મીઠું તેમજ ઘી અથવા બટર લઈને હાથથી મિક્સ કરી લો. હવે તેમાં થોડું-થોડું દૂધ ઉમેરતાં જઈને રોટણીની કણક જેવી કણક બાંધી લો. કણક બંધાઈ જાય એટલે તેને ઢાંકીને 30 મિનિટનો રેસ્ટ આપો.
પાટલી પર થોડો લોટ ભભરાવીને તેના પર બાંધેલી કણકમાંથી રોટલો વણી લો. રોટલો ખૂબ ઝાડો કે ખૂબ પાતળો ન રાખવો. રોટલો વણાઈ જાય એટલે તેને જે શેપના બિસ્કિટ બનાવવા હોય તે શેપમાં કટ કરી લો.
તમારા કૂકરમાં ફિટ બેસી જાય તે સાઈઝની એલ્યુમિનિયમની પ્લેટ લો. તેને ઘીથી ગ્રીસ કરી લો. હવે તેમાં કટ કરેલા બિસ્કિટ થોડા છુટા-છુટા મૂકો.હવે એક કૂકરમાં સ્ટેન્ડ મૂકી તેને 5 મિનિટ માટે ગરમ થવા દો. ત્યારબાદ બિસ્કિટ મૂકેલી પ્લેટને કૂકરની અંદર મૂકીને ઢાંકણ ઢાંકી દો. કૂકરમાંથી સીટી કાઢવાનું ભૂલશો નહીં.
ગેસની ફ્લેમ મીડિયમ અથવા ધીમી રાખવી. 20 મિનિટ સુધી બિસ્કિટને બેક થવા દો. 20 મિનિટ બાદ બિસ્કિટ સરસ ક્રિસ્પી થઈ ગયા હશે. હવે ગેસ બંધ કરીને કૂકરનું ઢાંકણ ખોલી દો અને બિસ્કિટ બહાર કાઢી લો. તો તૈયાર છે ઓવન અને મેદાનો ઉપયોગ કર્યા વગર બનતા બિસ્કિટ