કોરોના વાયરસના કારણે અત્યારે શિક્ષણસત્ર પણ ખોરવાયું છે,ત્યારે રાજ્યના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યા છે. આગામી 25 જૂનથી યુનિવર્સિટીની પરીક્ષાઓ શરૂ થશે. યુજીસી ગાઈડલાઈન્સ અનુસાર યુજીની ટર્મિનલ ફાઈનલ સેમેસ્ટર વર્ષની પરીક્ષા અને પી.જીની પ્રથમ અને ટર્મિનલ ફાઇનલ સેમેસ્ટરની પરીક્ષા 25 જૂનથી યોજાશે.
પરીક્ષાનો સમયગાળો બે કલાકનો રહેશે અને જરૂર જણાય ત્યાં મલ્ટીપલ શિફ્ટમાં પરીક્ષા લેવામાં આવશે.તાલુકા અને સ્થાનિક કક્ષાએ પરીક્ષા કેન્દ્ર રાખવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના કારણે પરિસ્થિતિ સામાન્ય ન થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન શક્ય બને તેમ ન હોય તો તે સંજોગોમાં ઇન્ટરમિડીયેટ સેમેસ્ટર બે બે, ચાર, છના વિદ્યાર્થીઓ માટે 50 ટકા ગુણ આંતરિક મૂલ્યાંકન અને બાકીના 50 ટકા ગુણ પ્રિવીયસ સેમેસ્ટરના ગુણના આધારે આપવાના રહેશે.
જો વિદ્યાર્થી પોતાના ગ્રેડમાં સુધારો કરવા ઈચ્છે તો તે આગામી સેમેસ્ટરમાં લેવાનાર પરીક્ષામાં વિશેષ પરીક્ષા પણ આપી શકશે. કોઈ વિષયમાં વિદ્યાર્થી નાપાસ થયેલ હોય તો પણ વર્ષ 2019 -20 માટે તે વિદ્યાર્થીને કેરી ફોરવર્ડ કરીને બઢતી આપવાની રહેશે. આગામી સેમેસ્ટરમાં પરીક્ષા યોજાય ત્યારે તે વિષયમાં વિદ્યાર્થીએ ઉત્તીર્ણ થવાનું રહેશે. એસીપીસી સિવાયના એડમિશન તારીખ 15 જૂનથી શરૂ થશે.
પ્રવેશ માટે ઉપલબ્ધ સીટમાંથી 90 ટકા સીટ માટે એડમિશન હાલમાં આપવામાં આવશે. બાકીના 10 ટકા એડમિશન સીબીએસસી અને બાકીના બોર્ડના પરિણામ જાહેર થયેથી ઓગસ્ટ 2020માં કરવામાં આવશે. વિજ્ઞાન પ્રવાહના કોર્સના પ્રવેશ ફોર્મ તારીખ 26 મે 2020થી ઓનલાઈન યુનિવર્સિટીઓ દ્વારા કરવામાં આવશે.
જ્યારે સેમેસ્ટર 3, 5, અને 7નું શૈક્ષણિક કાર્ય 21 જૂન 2020થી શરૂઆતમાં ઓનલાઈન પદ્ધતિથી કરવામાં આવશે. કોરોના મહામારીની પરિસ્થિતિ પૂર્ણ કે અનુકૂળ થાય પછી જ ફિઝિકલ ક્લાસ ચલાવવામાં આવશે. સેમેસ્ટર-1 1 ઓગસ્ટ 2020 શરૂ કરાશે. એસીપીસી કોર્સમાં લેવાયેલ અભ્યાસક્રમો માટે તારીખ 30 -7- 2020ના રોજ ગુજસેટ લેવામાં આવશે. તેને ધ્યાને લઇ પ્રવેશ માટેનું કેલેન્ડર તૈયાર કરાશે.