દુનિયાભરમાં કોરોના વાયરસ મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. ભારતમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે હવે દેશનું એકમાત્ર રાજ્ય જ્યાં અત્યાર સુધી કોવિડ-19 નો કેસ જોવા મળ્યો નહોતો ત્યાં પણ પહેલો કેસ નોંધાયો છે.
દેશના સિક્કિમમાં પહેલો કેસ સામે આવ્યો છે. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાં અનુસાર રાજ્યમાં કોરોનાવાયરસનો સંક્રમિત વ્યક્તિ 25 વર્ષનો વિદ્યાર્થી છે અને હાલમાં જ દિલ્હીથી પરત ફર્યો છે.
આરોગ્ય વિભાગના મહાનિદેશક સહ સચિવ પેમ્પા શેરિંગ ભૂટિયાએ જણાવ્યું કે વિદ્યાર્થીનુ સેમ્પલ સિલિગુડી સ્થિત ઉત્તર બંગાળ ચિકિત્સા મહાવિદ્યાલય તેમજ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું હતું. જો કે રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો.
આ વિદ્યાર્થી દક્ષિણ સિક્કિમના રબાંગ્લાનો રહેવાસી છે અને હાલમાં તેનો ઇલાજ સર થૂતોબ નામગ્યાલ સ્મારક હોસ્પિટલ ખાતે ચાલી રહ્યો છે. અધિકારી ભૂટિયાએ જણાવ્યું કે વિદ્યાર્થી દિલ્હીમાં રહીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યો હતો.
દુનિયાભરમાં દેશની સાથે-સાથે ભારતમાં કોરોનાવયરસનો કહેર ઝડપથી વધી રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર 180થી વધારે દેશોમાં ફેલાઇ ચૂકેલો આ વાયરસે અત્યાર સુધીમાં 3.25 લાખથી વધુ લોકોના જીવ લીધા છે. દુનિયાભરમાં 51 લાખથી વધારે લોકો સંક્રમિત થયા છે. આ આંકડો દરરોજ વધી રહ્યો છે. આ આંકડો આરોગ્ય મંત્રાલય દ્વારા શનિવારે સવારે જારી કરેલા મુજબ છે.
દેશમાં રિકવરી રેટમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે. હાલ દેશમાં રિકવરી રેટ 41.39 ટકા પર પહોંચ્યો છે. જો કે હાલમાં દેશના બધા રાજ્યોમાંથી કોરોનાના દર્દીઓ સામે આવ્યાં છે. જો કે ઘણા રાજ્યો એવા પણ છે કે કોરોના મહામારીથી મુક્ત પણ થઇ ગયા છે.