દેશમાં કોરોના વાયરસની મહામારીનો સામનો કરવા માટે લૉકડાઉન લાગુ છે અને તેમાં કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં અનેક છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત લગ્ન પ્રસંગોને પણ 50 લોકોની હાજરીમાં આયોજિત કરવાની મંજૂરી આપવામાં આવી છે.
લૉકડાઉનના કારણે લગ્ન ન કરી શરતાં જોડા અને તેમના પરિવારો હવે લૉકડાઉનની ગાઇડલાઇનને અનુસરીને લગ્ન સમારોહ આયોજિત કરવામાં લાગી ગયા છે. લગ્ન સમયે સોશિયલ ડીસ્ટન્સિંગ રાખીને માસ્ક ફરજિયાત પહેરવાની સાથે જરૂરી સેનિટાઇઝેશનની તકેદારી રાખવાનું કહેવામાં આવ્યું છે.
આવા સમયે વર-કન્યાને આકર્ષવા માટે કોલ્હાપુરના એક જ્વેલરે ચાંદીના ડિઝાઇનર માસ્ક તૈયાર કર્યા છે અને તેની ખૂબ જ ડિમાન્ડ જોવા મળી રહી છે.લૉકડાઉનના સમયે વર-કન્યાને આકર્ષવા માટે કોલ્હાપુરના જ્વેલર સંદીપ સરગાવોકરે આ ડિઝાઇનર માસ્ક તૈયાર કર્યા છે.
લગ્નમાં વર-કન્યા માટે ડિઝાઇનર માસ્ક તૈયાર કરવા બાબતે સંદીપે જણાવ્યું કે આ માસ્કનું ઘણું આકર્ષણ જોવા મળી રહ્યું છે અને તેના કારણે તેમના બિઝનેસમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. હાલ આ ચાંદીના માસ્કની ખૂબ જ ડિમાન્ડ વધી ગઈ છે.
સંદીપે જણાવ્યું કે, આ મહામારીના સમયમાં દરેક ધંધા પર નકારાત્મક અસર પડી છે, મારો ધંધો પણ તળીયે બેસી ગયો હતો. ત્યારે મને ચાંદીના માસ્કનો વિચાર આવ્યો અને મેં તેની ડિઝાઇન બનાવી સેમ્પલ તૈયાર કર્યા. આ ચાંદીના માસ્ક ગ્રાહકોને ખૂબ પસંદ આવી રહ્યા છે અને લોકો પોતાના પ્રિયજનોને ભેટ આપી રહ્યા છે. જેમાં વર અને કન્યા તેમાં મુખ્ય છે.
25થી 35 ગ્રામના ચાંદીના માસ્કની અંદાજિત કિંમત 2500થી 3500 રૂપિયા સુધીની છે. સારી ગુણવત્તાવાળા N-95 માસ્કનો ભાવ પણ તેની આસપાસનો જ હોય છે. સંદીપે જણાવ્યું કે જો કોઈને આ માસ્ક જોઈતા હોય તો તેમણે થોડા દિવસ અગાઉથી ઓર્ડર નોંધાવવો પડે છે તો જ તેમને સમયસર માસ્ક મળી રહે છે.