આખી દુનિયાના અબજો લોકોને જેની રાહ હતી તેની નક્કર આશા જન્માવતા એક ન્યૂઝ અમેરિકાના મેસેચ્યુસેટ્સથી આવ્યા. ત્યાં કાર્યરત ‘મૉડેર્ના બાયોટેક્નોલોજી’ નામની કંપનીએ વધામણી આપી કે તેઓ નોવેલ કોરોનાવાઈરસની જે વેક્સીન પર કામ કરી રહ્યા હતા, તેણે શરૂઆતના તબક્કામાં જ નક્કર પરિણામો બતાવવા માંડ્યાં છે.
જે સ્વયંસેવકોને તેમણે વેક્સીના ટ્રાયલ ડોઝ આપ્યા હતા, તેમાંથી આઠમાં તેમણે એન્ટિબોડીઝનું ચેકિંગ કર્યું, તો આઠે આઠમાં કોરોનાવાઈરસનો ખાત્મો કરતી એન્ટિબોડીઝ પેદા થઈ ચૂકી હતી. રસપ્રદ વાત એ હતી કે આઠમાંથી એકેય સ્વયંસેવકમાં કોઈ ગંભીર સાઈડઈફેક્ટ જોવા મળી નહોતી. આનો અર્થ એ થયો કે આ વેક્સિીન સલામત તો છે જ. જેવા આ ન્યૂઝ રિલીઝ થયા કે તરત જ સમગ્ર દુનિયામાં રોમાંચની લહેરખી દોડી ગઈ. ઈવન કંપનીના શૅરમાં પણ 30 ટકાનો જબરદસ્ત ઉછાળો નોંધાયો.
WHOના જણાવ્યા પ્રમાણે અત્યારે વિશ્વની આઠ કંપનીઓને નોવેલ કોરોનાવાઈરસની વેક્સીનનાં હ્યુમન ટ્રાયલ્સ કરવાની મંજૂરી મળી છે. કેમ્બ્રિજ, મેસેચ્યુસેટ્સમાં સ્થિત ‘મૉડેર્ના બાયોટેક’ તેમાંની એક છે. અમેરિકાની અન્ય બે કંપનીઓ ‘ફાઈઝર’ અને ‘ઈનોવિઓ’ને તથા બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટી સ્થિત ‘વેક્સીન્સ મેન્યુફેક્ચરિંગ એન્ડ ઈનોવેશન સેન્ટર’ને તથા ચીનની ચાર કંપનીઓને આ મંજૂરી મળી છે. મૉડેર્ના અમેરિકાની ‘નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઑફ એલર્જી એન્ડ ઈન્ફેક્શિયસ ડિસીઝ’સાથેની ભાગીદારીમાં આ વેક્સિન વિકસાવી રહી છે.
જાણીતી કંપની ‘ફાઈઝર’ ‘BNTECH’ નામની જર્મન બાયોટેક કંપની સાથે મળીને ‘BNT162’ નામની રસી બનાવી રહી છે, જે પણ અત્યારે હ્યુમન ટ્રાયલના તબક્કામાં છે. જ્યારે ‘ઈનોવિઓ’ નામની બીજી અમેરિકન ફાર્મા કંપનીએ પણ 40 તંદુરસ્ત લોકો પર ‘INO-4800’ નામની રસીનાં ટ્રાયલ કર્યાં છે.બ્રિટનમાં 24 એપ્રિલથી વેક્સીન હ્યુમન ટ્રાયલના તબક્કામાં પ્રવેશી છે, પરંતુ તેના રિઝલ્ટ આવતા મહિને બહાર આવશે.
દરમિયાન બ્રિટિશ સરકારે ‘એસ્ટ્રા ઝેનેકા’ નામની ફાર્મા કંપની સાથે મળીને આ વેક્સીનના 3 કરોડ ડોઝના ઉત્પાદન માટે લગભગ 6 અબજ રૂપિયાના ફંડની જાહેરાત કરી છે. બ્રિટિશ સરકારે આશાવાદ વ્યક્ત કર્યો છે કે તેઓ આ વર્ષના સપ્ટેમ્બર સુધીમાં વેક્સીનનું ઉત્પાદન શરૂ કરી દેશે.