અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના સામેની લડાઈમાં ભારત-અમેરિકા ભાગીદારીને અત્યંત મહત્વની ગણાવી છે. ટ્રમ્પે કહ્યું કે મને આ જાહેરાત કરતા ગર્વ થાય છે કે અમેરિકા તેના મિત્ર ભારતને વેન્ટિલેટર ડોનેટ કરશે. મહામારીના સમયમાં અમે ભારત અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે છીએ. અમે કોરોનાની રસી વિકસાવવાની દિશામાં પણ સહયોગ કરી રહ્યા છીએ. બન્ને દેશ સાથે મળી આ અદ્રશ્ય દુશ્મનને હરાવશે.
ટ્રમ્પે વ્હાઈટ હાઉસના ગાર્ડનમાં મીડિયા સમક્ષ કહ્યું હતું કે હું તાજેતરમાં જ ભારતની યાત્રાથી પરત આવ્યો હતો. અમેરિકામાં મોટી સંખ્યામાં ભારતીય લોકો રહે છે. તમે જે લોકો અંગે વાત કરી રહ્યા છો તે પૈકી કેટલાક લોકો વેક્સીન પર પણ કામ કરી રહ્યા છે. તેઓ મહાન વૈજ્ઞાનિક અને સંશોધનકર્તા છે. એક પ્રશ્નના જવાબમાં રાષ્ટ્રપતિએ કહ્યું- પ્રધાનમંત્રી મોદી મારા ખૂબ જ સારા મિત્ર છે.
ભારતે એપ્રિલમાં કોરોના સામેની લડાઈમાં અમેરિકાની મદદ માટે હાઈડ્રોક્સોક્લોરોકીન દવાનો વિશાળ જથ્થો મોકલ્યો હતો. આ અંગે ટ્ર્મ્પે મોદીના નૈતૃત્વને મજબૂત ગણાવતા તેમની પ્રશંસા કરી હતી અને ભારતનો આભાર વ્યક્ત કર્યો હતો.
ટ્રમ્પે કહ્યું કે કોરોનાની રસીને અમે પ્રજા માટે વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવા વિચાર કરી રહ્યા છીએ. આ વર્ષના અંત સુધીમાં તેને તૈયાર કરવામાં આવી શકે છે. રસી વિકસાવવા માટે “ઓપરેશન વાર્પ સ્પીડ” નામનું એક નવું અભિયાન શરૂ કર્યું છે. “ઓપરેશન વાર્પ સ્પીડ”ને આ વર્ષના અંત સુધીમાં રસી શોધવા માટેની કામગીરી સોંપવામાં આવી છે. જેથી જાન્યુઆરી,2021 સુધીમાં તે લોકો સુધી પહોંચાડી શકાય.
તેમણે કહ્યું કે મને આશા છે કે આ વર્ષના અંત સુધીમાં રસી વિકસિત કરી લેવામાં આવસે. સામાન્ય રીતે દવા કંપનીઓ આવશ્યક મંજૂરી મળ્યા બાદ જ રસી તૈયાર કરે છે. જેમા ઘણો સમય લાગી જાય છે. અમારી સરકાર રસી તૈયાર કરનારી ટીમના રિસર્ચ પર પણ ખર્ચ કરશે. સાથે તમામ મંજૂરી પણ અપાવશે.