દેશમાં કોરોનાની સ્થિત દિવસે દિવસે વિસરતી જઇ રહી છે,ત્યારે અમદાવાદમાં કોરોનાની સ્થિત વધુ ખરાબ થતી જાય છે,ત્યારે હવે અમદાવાદમાં કોરોનાને કાબુમાં લેવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અનેક બદલાવ અને નિયમો લાગુ કરવામાં આવી રહ્યાં છે. 15 મેથી લોકોને શાકભાજી અને ફળફળાદિ સરળતાથી મળે તે માટે આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પાંચમી સમીક્ષા બેઠક મળી હતી.
આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારની સાથે જુદા જુદા ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો ઉપસ્થિત રહ્યાં હતા. APMCના ,અધિકારી અને સ્થાનિકો સાથે વાતચીત બાદ શહેરમાં પાંચ જગ્યાએ હોલસેલ માર્કેટ શરૂ કરવાનો અને નરોડા ફ્રુટ માર્કેટ પણ ફરીથી શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 15મેથી શાકભાજી, કરિયાણાની દુકાનો અને અનાજ દળવાની ઘંટી સવારે 8 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી ખોલી શકાશે અને તેમને ફાળવેલા વોર્ડમાં નિશ્ચિત કરેલા સમય મુજબ ખુલ્લા રાખી શકશે. વેપારીઓ શાકભાજી અને ફળફળાદી હોલસેલમાં મેળવી શકે તે માટે રિવરફ્રન્ટ પાસે આવેલા ગુજરી બજાર, કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ, AEC ગ્રાઉન્ડ , જેતલપુર APMC માર્કેટ અને ડુંગળી-બટાકા માટે વાસણા APMC માર્કેટ નક્કી કરવામાં આવ્યું છે.
ખેડૂતો સવારે 3 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી જેતલપુર APMC માર્કેટમાં શાકભાજી વેચી શકશે અને સવારે 7થી 10 વાગ્યા સુધીમાં અમદાવાદના હોલસેલના વેપારીઓ આ પાંચ માર્કેટમાં અમદાવાદના વેપારીઓ, લોડીંગ રિક્ષા અને લારીવાળાને વેચાણ કરી શકશે. છૂટક ગ્રાહકોને કોઈ હોલસેલ વેપારી કે ખેડૂતો નહિ વેચી શકે.