મ્યુનિ. કમિશનર વિજય નેહરાનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેમણે ટ્વિટ કરીને અમદાવાદીઓનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, તેમણે સેલ્ફ ક્વોરન્ટાઈન થયા પછી કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો જે નેગેટિવ આવ્યો છે અને થોડા દિવસોમાં જ તેઓ ફરજ પર પાછા ફરશે તેમ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ફિલ્ડ ડ્યુટી દરમિયાન વિજય નેહરા કોરોના પોઝિટિવ બે વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા. જેથી ગાઈડલાઈન મુજબ તેઓ જાતે સેલ્ફ ક્વોરન્ટાઈન થઈ ગયા હતા. આ પછી કમિશનર તરીકે રાજ્ય સરકારે મુકેશ કુમારને ચાર્જ સોંપ્યો હતો. જ્યારે ફોરેસ્ટ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાને સુપરવિઝનની જવાબદારી સોંપવામાં આવી હતી.
તેમનો કોરોનાનો ટેસ્ટનું પરિણામ નેગેટિવ આવતાં રાજ્ય સરકારને આ અંગે જાણ કરી હતી. જો કે, હવે તેમને ફરજ પર પરત ફરવાનો ઓર્ડર રાજ્ય સરકાર ક્યારે કરે છે તે જોવાનું રહ્યું. નવી ગાઈડલાઈન્સ પ્રમાણે તેમનો રિપોર્ટ નેગેટિવ આવતાં હવે તેમણે 14 દિવસ સુધી હોમ આઈસોલેશનમાં રહેવાની જરૂરિયાત નથી. જો કે, હજુ સુધી સરકારે તેમને ડ્યુટી પર પરત ફરવાનો નવો ઓર્ડર જારી કર્યો નથી. કમિશનરનો ચાર્જ મુકેશ કુમાર પાસે છે. આ ચાર્જ દૂર કરી નવો ઓર્ડર રાજ્ય સરકાર કરે તે પછી જ વિજય નેહરા ડ્યુટી પર પાછા ફરી શકે છે.