આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ગેસ લીકેજ અકસ્માતથી સૌ કોઇ આઘાતમાં છે. ત્યારે હવે દેશના અન્ય રાજ્યમાં પણ ગેસ લીકેજની ઘટના સામે આવી છે. જેમા સાત મજૂરો ઘાયલ થયા છે. ઘટના બાદ મજૂરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
છત્તીસગઢના રાયગઢ જિલ્લામાં એક પેપર મિલમાં એક મોટો અકસ્માત થઇ ગયો. પેપર મિલમાં ક્લોરીન ગેસ પાઇપ-લાઇન ફાટી જવાથી આ દુર્ઘટના બની. આ દુર્ઘટનામાં 7 લોકો ઘાયલ થઇ ગયા છે. જેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ અકસ્માત રાયગઢની શક્તિ પ્લસ પેપર્સ મિલમાં થઇ.
પુસોર પોલીસ સ્ટેશનના તેતલામાં પેપર મિલ આવેલી છે. જ્યાં ક્લોરીન ગેસ પાઇપ-લાઇન ફાટી ગઇ હતી. આ પાઇપ-લાઇન ફાટી જવાથી 7 મજૂરો ઘાયલ થયા. ઘટના બાદ તમામ મજૂરોને સંજીવની નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવ્યા છે. જે બાદ ઘાયલોને જોવા માટે કલેક્ટર અને પોલીસ અધિકારી હોસ્પિટલ પહોંચ્યા. આ અકસ્માતમાં ઘાયલ 3 મજૂરો ગંભીર છે.
બિલાસપુરના આઇજી દીપાંશુ કાબરા મુજબ પેપર ઇન્ડસ્ટ્રી, શક્તિ પેપર્સથી એક ઝેરીલી ગેસ લીક થઇ હતી. ઘટના ત્યારે થઇ જ્યારે પ્લાન્ટની સફાઇ કરવામાં આવી રહી હતી. આ ઘટનાને કારણે 7 મજૂરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. 3 લોકોને વધુ સારવાર માટે રાયપુરમાં રેફર કરવામાં આવ્યા છે.