કોરોના વાયરસે સમગ્ર રાજ્યમાં ભરડો લીધો છે અને અમદાવાદમાં સમગ્ર રાજ્યના સૌથી વધુ કેસ નોંધાયા છે ત્યારે અમદાવાદને આ સંક્રમણના ભરડામાંથી મુક્ત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા બેઠકનો ધમધમાટ શરૂ થયો છે. ત્યારે આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ મહામારીને લઇને એક હાઇ લેવલ બેઠક અમદાવાદ ખાતે યોજી હતી. તો અમદાવાદ મહાનગરપાલિકાએ પણ શહેર માટે એક ગાઇડલાઇન જાહેર કરી હતી.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદની સ્થિતિ દિવસેને દિવસે વણસતી જાય છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાએ એક ગાઇડલાઇન જાહેર કરી છે જેમાં જણાવ્યું હતું કે, 48 કલાકમાં અમદાવાદમાં ડૉક્ટર્સે ખાનગી દવાખાના ખોલવા પડશે, જો નહીં ખોલે તો તેમના લાયસન્સ રદ્દ કરાશે.
આપને જણાવી દઇએ કે, અમદાવાદના નવા મ્યુ. કમિશનર મુકેશ કુમારે એક મહત્વનો નિર્ણય લીધો છે. અમદાવાદમાં 15મી મે સુધી દૂધ અને દવા સિવાયની તમામ સેવાઓ બંધ રહેશે. નવા નિયમ આજે રાત્રે 12 વાગ્યાથી અમલી બનશે.
અમદાવાદમાં ગઈકાલે 39 મોત નોંધાયા છે અને 349 નવા કેસ નોંધાયા છે ત્યારે ખુદ રાજ્ય સરકાર પણ આ મામલે ચિંતામાં મુકાઈ ગઈ છે. ત્યારે અમદાવાદ મ્યુ. કમિશનર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 15મી માર્ચ સુધી અમદાવાદમાં દૂધ અને દવાઓ સિવાયની કોઈ પણ સેવાઓ ખુલ્લી નહીં રહે. આજે રાતે 12 વાગ્યાથી આ નિર્ણય અમલી બનાવવામાં આવશે.
અમદાવાદ ખાતે આવેલી સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે ખાસ બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્ય સચિવ અનિલ મુકિમ તથા મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર તથા આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ સહિત શહેરના જાણીતા ડોક્ટર ખાસ હાજર રહ્યા હતા. આ બેઠકમાં રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદમાં કોરોના વાયરસની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી.
કોરોના સંકટ મામલે Dy.CM નીતિન પટેલે જાણીતા ડૉક્ટર સાથે બેઠક બાદ નિવેદન આપતા કહ્યું કે આરોગ્ય વિભાગ અમદાવાદ મનપાને મદદ કરશે.