કોરોનાવાઈરસને કારણે દેશભરમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આખા વિશ્વની ફિલ્મ ઈન્ડસ્ટ્રીને આની ઘણી જ મોટી અસર છે. આમાં બોલિવૂડ પણ બાકાત નથી. જોકે, શૂટિંગ કેવી રીતે શરૂ કરવામાં આવે અને સેટ પર કેવી વ્યવસ્થા હશે, તેને લઈ હાલમાં જ એક મિટિંગ થઈ હતી. પ્રોડ્યૂસર્સ ગિલ્ડના સિદ્ધાર્થ રોય કપૂરે વર્ચ્યૂઅલ મિટિંગ કરી હતી. આ મિટિંગમાં સિદ્ધાર્થે કેટલાંક ચોક્કસ નિયમો પર ચર્ચા કરી હતી.
પ્રોડ્યૂસર્સ ગિલ્ડે કહ્યું હતું કે શૂટિંગ શરૂ કરવાને લઈ તેમને નિયમો બનાવ્યા છે પરંતુ આ નિયમો હજી સુધી ફાઈનલ નથી. આ હજી પ્રારંભિક દસ્તાવેજ છે. સરકારી અધિકારી, ડોક્ટર્સ તથા સંબંધિત ઉદ્યોગ સાથે ચર્ચા વિચારણા કર્યાં બાદ સુરક્ષા પ્રોટોકોલ તથા દિશા-નિર્દેશને આખરી સ્વરૂપ આપવામાં આવશે.
સૂત્રોના મતે, જ્યારે પણ શૂટિંગ શરૂ થશે ત્યારે શૂટિંગ પહેલાં દરેક કલાકાર તથા ક્રૂના સ્વૉબ ટેસ્ટ કરવામાં આવશે. આ ઉપરાંત રોજ ટેમ્પરેચર ચેક કરવામાં આવશે. શરૂઆતના સમયમાં સેટ પર ડોક્ટર તથા નર્સ હાજર રહેશે. આ નિયમ શૂટિંગ શરૂ થયાના ત્રણ મહિના સુધી રહેશે.
ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝના પ્રમુખ બીએન તિવારીએ કહ્યું હતું કે જુલાઈ સુધીમાં ફિલ્મના શૂટિંગ શરૂ થઈ જશે, જેમાં બોની કપૂરની ફિલ્મ ‘મૈદાન’ તથા સંજય લીલા ભણશાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ સામેલ છે. સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિયેશન તથા FWICE વચ્ચે વર્ચ્યૂલ મિટિંગ થઈ હતી અને તેમાં શૂટિંગને લઈ ચર્ચા કરવામાં આવી હતી. FWICEના સચિવ અશોક દુબેએ કહ્યું હતું કે મિટિંગમાં સેટ પર કામ કરતાં લોકોના ઈન્સ્યોરન્સનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.
તમામ કલાકારોએ ઘરેથી જ મેકઅપ તથા સ્ટાઈલિંગનું કામ કરીને સેટ પર આવવાનું રહેશે. તેઓ સેટ પર માત્ર એક જ સભ્યને લઈને આવી શકશે.ફિલ્મના પ્રોડ્યૂસર્સ સેટ પર 12 કલાકની શિફ્ટમાં કામ કરતાં દરેક સભ્યોને ચાર-ચાર માસ્ક આપશે.શૂટિંગ શરૂ થયાના ત્રણ મહિના સુધી 60 વર્ષથી ઉપરની વ્યક્તિને સેટ પર બોલાવવામાં ના આવે.