કોરોના સંકટમાં ગુજરાતની સ્થિતિ દિવસે દિવસે કથળતી જોઈને ગુજરાત સરકાર ઍક્શન મોડમાં આવી છે અને ગાંધીનગર ખાતે અધિકારીઓની જવાબદારીમાં મોટો ફેરફાર કર્યો છે. ગુજરાત સરકાર સફાળી જાગીને હવે આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિનું કદ વેતરી નાંખતા પંકજ કુમારને કોરોનાને લગતી હેલ્થ વિભાગની સમગ્ર કામગીરીની વધારાની જવાબદારી સોંપી છે. જ્યારે અમદાવાદની કૉવિડ-19ને લગતી તમામ કામગીરીના નિરીક્ષણની જવાબદારી ડૉ.રાજીવ ગુપ્તાને સોંપાઈ છે.
ગુજરાતમાં કુલ 6254ના આંકડામાં આમ જોઈએ તો માત્ર અમદાવાદમાં જ 4425 એટલે કે 70 ટકા કેસ નોંધાયા છે. આવામાં રૂપાણી સરકાર હેલ્થ વિભાગ અને AMC પર ભડકી છે. પરિણામે આજે રૂપાણી સરકારે મહત્વનો નિર્ણય લેતા રાજ્યમાં સ્થિતિને કાબૂમાં લેવા સિનિયર અધિકારીઓને મેદાને ઉતાર્યા છે.
રાજ્યમાં કોરોનાના વધતાં જતા કેસથી રાજ્ય સરકારનું ટેન્શન વધ્યું છે. એક બાજુ પરપ્રાંતિયોનો વતન જવાનો મામલો તો બીજી બાજુ કોરોનાના કેસ કાબૂમાં નથી આવતા. આવામાં બંને બાજુ ગુજરાત રાજ્યમાં દિલ્હીમાં કેન્દ્રની નજરે ચઢી ગયું છે. જેના પગલે રૂપાણી સરકાર હવે ઍક્શનમાં આવી છે. આજે મહત્વનો નિર્ણય લેતા રાજ્ય સરકારે કોરોના મહામારીને કાબૂમાં લેવા ત્રણ સિનિયર અધિકારીઓની વધારાની જવાબદારી આપી નિમણૂક કરી છે.
રાજ્યમાં કોરોનાને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહેલા આરોગ્ય વિભાગથી રૂપાણી સરકારે નારાજ થઈ છે. જેથી આજે સરકારે આરોગ્ય અગ્રસચિવ જ્યંતિના માથે IAS અધિકારી પંકજ કુમારને બેસાડી દીધાં છે તેમ કહી શકાય. પંકજ કુમાર જે હાલ રેવન્યુ વિભાગમાં ACS છે તેમને આરોગ્ય વિભાગની કોરોનાને લગતી સમગ્ર કામગીરીનો ભાર સોંપ્યો છે. મહત્વનું છે કે છેલ્લાં કેટલાંય દિવસોથી ચર્ચા થઈ રહી હતી કે રાજ્ય સરકાર આરોગ્ય અગ્રસચિવ જ્યંતિ રવિની કામગીરીથી નાખુશ હતાં.
આ મહામારીમાં તેમનું પરફોર્મન્સ સામાન્યથી પણ ખરાબ રહ્યું છે તેઓ તેમના નીચલા અધિકારીઓ અન્ય ખાતાના અધિકારીઓ સાથે ખૂબ રોફ જમાવીને વર્તન કરે છે અને તેમને બરાબર સહકાર નથી આપતા તેવું પણ ચર્ચાયું હતું. જેથી સરકારે તેમનું કદ વેતરવા માટે ચુપકેથી આ મામલામાં અન્ય અધિકારીઓને સામેલ કરી દીધા હોવાનું જાણવા મળી રહ્યું છે.
અમદાવાદ મનપા વિજય નેહરા આજે સેલ્ફ ક્વૉરન્ટાઈન થઈને 14 દિવસ રજા પર ઉતર્યા છે તેવું તેમણે ટ્વિટ કર્યુ હતું. જો કે અંદરના સૂત્રો અનુસાર AMC કમિશ્નરને કોરોનાની કામગીરીથી નાખુશ થઈને સરકારે હાલ પૂરતા હટાવી રજા પર ઉતારી દેવાયા છે. જો કે વિજય નેહરાએ આ બાબતે પોતે સેલ્ફ ક્વોરન્ટાઈન થયા છે તેમ કહ્યું હતું.
પરંતુ સૂત્રો પ્રમાણે રૂપાણી સરકાર અમદાવાદના આંકડા જોઈને ભડકી છે અને અન્ય સીનિયર અધિકારીઓને સ્થિતિ કાબૂમાં લેવા મૂકાયા છે. મહત્વનું છે કે આ અગાઉ પણ વિજય નેહરાનું નિવેદન નેશનલ લેવલે ગાજ્યું હતું જેમાં તેમણે અમદાવાદમાં 15 મે સુધી 50000 કોરોનાના કેસ થવાની શક્યતા દર્શાવી હતી. કહેવાય છે કે આ નિવેદનથી અને તેમની કામગીરીમાં પણ કોઈ સુધારો ન દેખાતા રૂપાણી સરકાર નારાજ થઈ હતી.
AMC દ્વારા શહેરમાં કોરોનાના નિયંત્રણ માટે ટેસ્ટિંગ, ડીસઇન્ફેક્ટન્ટ છાંટવા, ક્વોરેનટાઈન જેવી અનેક પદ્ધતિઓ હાથ ધરાઈ છે. ચુસ્ત લોકડાઉનના સમય સુધી પોલીસે બળપ્રયોગ કરીને પણ લોકો ઘરે રહે તેવો આગ્રહ રાખ્યો. આમ છતાં તંત્રની ક્યાં ભૂલ થઇ રહી છે એ માટે રાજ્ય સરકારે તજવીજ હાથ ધરી છે. 3 દિવસમાં તંત્રની કામગિરીનો રીપોર્ટ તૈયાર કરવા કમિટી નિયુક્ત કરાઈ છે. આ રિપોર્ટ તૈયાર કરવા માટે રાજ્ય સરકારના હેલ્થ વિભાગના સિનિયર અધિકારીઓ અમદાવાદની કોરોનાની સ્થિતિનું અને બચાવ માટે લેવાતા પગલાનું નિરીક્ષણ કરશે અને અહેવાલ તૈયાર કરીને રાજ્ય સરકારને જાણ કરશે.