અમદાવાદ. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 441 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 49 દર્દીના મોત થયા છે જ્યારે 186 દર્દી સાજા થયા છે. આમ અત્યાર સુધીમાં કુલ 6,245 દર્દી નોંધાયા છે અને મૃત્યુઆંક 368 થયો છે. જ્યારે 1381 દર્દી સાજા થઈ ઘરે પરત ફર્યાં છે.
આ પહેલા 19 એપ્રિલે 367, 29 એપ્રિલે 308, 30 એપ્રિલે 313, 1 મેના રોજ 326, 2મેના રોજ 333, 3મેના રોજ 374, 4 મેના રોજ 376 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આમ સતત 6 દિવસ સુધી 300થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા બાદ આજે દર્દીનો આંકડો 441એ પહોંચ્યો છે. જ્યારે એક જ દિવસમાં કુલ 7 વાર 300થી વધુ અને એકવાર 400થી વધુ દર્દી નોંધાયા છે.
જૂનાગઢ જિલ્લામાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. આ સાથે જ રાજ્યના 32 જિલ્લા કોરોનાની ઝપટમાં આવી ગયા છે અને માત્ર અમરેલી જિલ્લો જ કોરોના વિનાનો છે. આ ઉપરાંત ગોંડલમાં એક અને ભાવનગરમાં એક કેસ નોંધાતા રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 5807 થઇ છે. તેમજ 1195 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાએ જણાવ્યું છેકે, અન્ય રાજ્યના વતની હોય અને વતન જવા માગતા હોય તેવા લોકોને સંબંધિત રાજ્યમાં મોકલવાની વ્યવસ્થા તેજ ગતિથી ચાલી રહી છે. સંખ્યા વધુ હોવાથી આ પ્રક્રિયામાં થોડાક દિવસો લાગી શકે છે. આ દરમિયાન તંત્રને સહકાર આપો, પોલીસ કે તંત્ર સાથે સંઘર્ષમાં ન ઉતરો અને ધીરજપૂર્વક થોડીક રાહ જૂઓ તેવી અપીલ છે. તંત્ર સાથે સંઘર્ષમાં ઉતરવાની બાબત ચલાવી લેવામાં આવશે નહીં. કાયદાનો શક્ય તેટલો કડક ઉપયોગ કરીને પોલીસ કાર્યવાહી કરશે. ગઇકાલે સુરતના પલસાણામાં જે સંઘર્ષ થયો હતો તેમાં 204 લોકોની ધરપકડ કરવામાં આવી છે. વતન જવા માગતા લોકો જેલમાં ન પહોંચે અને શાંતિથી પોતાના વતન પહોંચે એ માટે પોલીસ અને વ્યવસ્થા તંત્રને સહકાર આપે તેવી ફરી અપીલ કરવામાં આવે છે.
5મેની સવારથી નોંધાયેલી તમામ મહત્વપૂર્ણ ઘટાનાઓ
આજે બીજી 12 ટ્રેનો દોડાવી શ્રમિકોને તેમના વતન મોકલાશેઃ અશ્વિની કુમાર
મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે, ગુજરાતમાં રોજગારી અર્થે આવેલા શ્રમિકોને તેમના વતન મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શ્રમિકોએ ધીરજ રાખવાની જરૂર છે રાજ્ય સરકાર સંપૂર્ણ વ્યવસ્થા કરી આપશે. અત્યારસુધીમાં રાજ્યમાંથી સવા ત્રણ લાખ લોકોને વતન મોકલવામાં આવ્યા છે. આ માટે ટ્રેનો અને ખાનગી વાહનોની સુવિધા કરવામાં આવી છે. અત્યારસુધીમાં 35 ટ્રેનો થકી કુલ 42 હજારથી વધુ શ્રમિકોને વતન મોકલવામાં આવ્યા છે. જેમાં 23 ટ્રેનોમાં કુલ 28 હજાર શ્રમિકોને વતન મોકલવામાં આવ્યા હતા અને આજે સુરતથી આઠ ટ્રેન વિરમગામથી બે ટ્રેન અને અમદાવાદથી બે ટ્રેન દોડાવવામાં આવશે.
સરકારે વીજદરમાં પ્રતિ યુનિટ ફ્યૂઅલ સરચાર્જમાં 16 પૈસાનો ઘટાડો કર્યો
રાજ્યમાં વીજ ગ્રાહકોને સસ્તા દરે વીજળી મળી રહે અને વીજ ઉત્પાદન ખર્ચનું ભારણ ગ્રાહકો પર ન પડે એ માટે રાજ્ય સરકારે ફ્યૂઅલ સરચાર્જમાં ઘટાડો કર્યો છે. આ અંગે ઉર્જામંત્રી સૌરભ પટેલે જણવ્યું છેકે, રાજ્ય સરકાર હસ્તકની વીજકંપનીઓ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલાતા ફ્યૂઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ 16 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જેના પરિણામે રાજ્યના અંદાજે 1.30 કરોડથી વધુ ગ્રાહકોને રૂ. 310 કરોડની રાહતોનો લાભ મળશે. આ ફાયદો ત્રિમાસિકગાળા એપ્રિલથી જૂન દરમિયાન મળશે.
સુરતથી સૌરાષ્ટ્ર જવા કલેકટર દ્વારા મંજૂરી અપાશે, આવતીકાલથી રજિસ્ટ્રેશન શરૂ થશે
સુરતથી સૌરાષ્ટ્ર જવા આવતીકાલથી કલેકટર દ્વારા મંજૂરી અપાશે. સુરતમાં રત્ન કલાકારો અને એમ્બ્રોઇડરી કારીગરોને વતનમાં મોકલવા આવતીકાલથી રજિસ્ટ્રેશન શરૂ થશે. તમામને લકઝરી બસ દ્વારા મંજૂરી આપી પોતાના વતનમાં મોકલશે. ઘરે જઈને તમામે ફરજિયાત 14 દિવસ હોમ ક્વોરોન્ટાઇન થવું પડશે. પ્રથમ ચાર દિવસ માત્ર લક્ઝરી બસો મંજૂરી આપવામાં આવશે. ત્યાર બાદ ખાનગી વાહનોને છૂટ અપાશે. ઓલપાડ અને દેલાડ ખાતે ચેક પોસ્ટ ઊભી કરાશે. મુસાફરોના સ્ક્રીનીંગ બાદ બસોને રવાના કરાશે.
દીવમાં લિકર શોપ બહાર લાંબી લાઈનો લાગી
દીવમાં ગઇકાલથી જ દારૂની દુકાનો ખોલવામાં આવી છે. ત્યારે આજે સવારથી જ લિકર શોપ પર લાંબી લાઈનો લાગી છે. સોશિયલ ડિસ્ટન્સ જાળવીને લોકો દારૂ લેવા ઉભા છે. જીવન જરૂરી વસ્તુઓની જેમ જ લાંબી લાઈનો લગાવી પોલીસની હાજરીમાં દારૂનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે.
ગાંધીનગરમાં સેક્ટર- 5ના તમામ પ્રવેશદ્વાર બંધ
ગાંધીનગરમાં કોરોનાને ચેપને વધતો અટકાવવા માટે સેક્ટર 5ના વસાહત મંડળ દ્વારા સેક્ટરમાં પ્રવેશવાના તમામ રસ્તાઓ બંધ કર્યા છે. માત્ર સીએનજી પંપવાળો માર્ગ અવર-જવર માટે ચાલુ રાખવામાં આવ્યો છે. સવારે દૂધ કેન્દ્રો પર ફરજિયાત માસ્ક પહેરીને દૂધ લેવા જવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ પાળવા જણાવાયું છે.
ગુજરાતમાં 10 દિવસમાં મોતના કેસ 239% વધ્યા
24 એપ્રિલે રાજ્યમાં 127 મોત નોંધાયા હતા.4 મે સુધીમાં આંકડો 319 પર પહોંચ્યો. 10 દિવસમાં 192 મોત થયા. સરેરાશ રોજના 19 મોત. છેલ્લા 10 દિવસમાં મોતના આંકડામાં 239 ટકાનો વધારો નોંધાયો છે જે મુંબઈથી વધુ છે. 24 એપ્રિલ પછી પોઝિટિવ કેસમાં 189%નો વધારો થયો. 24 એપ્રિલે ગુજરાતમાં 2815 કેસ હતા. 4 મેએ 5804 થયા. 2989 કેસ વધ્યા. ડબલિંગ રેટ પણ 10 દિવસમાં 9.5નો થયો છે.
ગ્રીન ઝોન જામનગરમાં 3 કેસ, ઓરેન્જ ઝોન દાહોદમાં 6 કેસ
સરકાર દ્વારા જાહેર ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોનમાં પણ નવા કેસ મળતાં સનસનાટી ફેલાઈ છે. જામનગર ગ્રીન ઝોન જાહેર થઈ ચૂક્યું છે પણ સોમવારે અહીં 3 નવા કેસ મળ્યા. આ પ્રકારે દાહોદ ઓરેન્જ ઝોનમાં છે. અહીં 6 નવા કેસ મળ્યા. રાજકોટ પણ ઓરેન્જ ઝોનમાં છે અને અહીં 3 નવા કેસ મળ્યા છે.
કુલ 5,804 દર્દી , 319ના મોત અને 1195 ડિસ્ચાર્જ((સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ))
શહેર | પોઝિટિવ કેસ | મોત | ડિસ્ચાર્જ |
અમદાવાદ | 4076 | 234 | 620 |
વડોદરા | 385 | 27 | 147 |
સુરત | 706 | 31 | 206 |
રાજકોટ | 61 | 01 | 18 |
ભાવનગર | 74 | 05 | 21 |
આણંદ | 75 | 06 | 37 |
ભરૂચ | 27 | 02 | 22 |
ગાંધીનગર | 77 | 03 | 14 |
પાટણ | 22 | 01 | 12 |
નર્મદા | 12 | 00 | 10 |
પંચમહાલ | 45 | 03 | 05 |
બનાસકાંઠા | 39 | 01 | 14 |
છોટાઉદેપુર | 14 | 00 | 11 |
કચ્છ | 07 | 01 | 05 |
મહેસાણા | 32 | 00 | 07 |
બોટાદ | 33 | 01 | 6 |
પોરબંદર | 03 | 00 | 03 |
દાહોદ | 13 | 00 | 02 |
ખેડા | 12 | 00 | 02 |
ગીર-સોમનાથ | 03 | 00 | 03 |
જામનગર | 04 | 01 | 00 |
મોરબી | 01 | 00 | 01 |
સાબરકાંઠા | 05 | 00 | 03 |
મહીસાગર | 36 | 00 | 06 |
અરવલ્લી | 20 | 01 | 13 |
તાપી | 02 | 00 | 01 |
વલસાડ | 06 | 01 | 02 |
નવસારી | 08 | 00 | 03 |
ડાંગ | 02 | 00 | 00 |
દેવભૂમિ દ્વારકા | 03 | 00 | 00 |
સુરેન્દ્રનગર | 01 | 00 | 01 |
કુલ | 5804 | 319 | 1195 |