કોરોના વાયરસના કહેર વચ્ચે બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચને ટ્વિટર પર જાહેરાત કરી હતી કે ‘કેબીસી 12’ ટીવી શો ફરીવાર શરૂ થઈ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે આ શોનું રજિસ્ટ્રેશન નવ મેની રાત્રે નવ વાગે શરૂ થશે.
અમિતાભે ટ્વીટ કરીને કહ્યું હતું, ફરીવાર શો આવી રહ્યો છે. ‘હર ચીઝ કો બ્રેક લગ શકતા હૈં પર સપનોં કો બ્રેક નહીં લગ શકતા હૈં. આપકે સપનોં કો ઉડાન દેને ફીર આ રહે હૈં..’ રજિસ્ટ્રેશન નવ મેના રોજ રાત્રે નવ વાગે સોની ટીવી પર શરૂ થશે.
વીડિયો અમિતાભ બચ્ચનના ઘરે જ શૂટ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં અમિતાભ કહે છે, દરેક વસ્તુઓને બ્રેક લાગી શકે છે, કિટલીની ચાને, ચા પર થતી ચર્ચાઓ પર, મિત્રો સાથે રસ્તા પર કારણ વગર ફરવા પર, ટૂ વ્હીલર પર ટ્રિપલ સવારીને, ઓફિસની નોકરીને, અડધી રાતની લટારને, શોપિંગ મોલ પર…પરંતુ એક બાબત પર કોઈ બ્રેક લગાવી શકતું નથી અને તે છે સપનાઓ પર.
રજિસ્ટ્રેશનથી લઈ પ્રતિસ્પર્ધીઓની પસંદગી પહેલી જ વાર સંપૂર્ણ રીતે ઓનલાઈન કરવામાં આવશે. રજિસ્ટ્રેશન 9 મેથી 22 મે સુધી ચાલશે. અમિતાભ બચ્ચન રોજ રાત્રે સોની ટીવી પર નવ વાગે એક સવાલ પૂછશે. આ સવાલનો જવાબ એસએમએસ અથવા સોનીલિવ પ્લેટફોર્મ પર આપવાનો રહેશે. સાચો જવાબ આપનાર સ્પર્ધકોને શોર્ટ લિસ્ટ કરવામાં આવશે. ફોનથી સંપર્ક કરવામાં આવશે.
ત્યારબાદ પસંદ કરાયેલા સ્પર્ધકોની ઓનલાઈન જનરલ નોલેજની એક્ઝામ લેવામાં આવશે. તેમણે પોતાનો વીડિયો બનાવીને સોનીલિવને મોકલવાનો રહેશે. અંતે, પસંદ કરાયેલા સ્પર્ધકોનો વીડિયો કોલિંગથી ઈન્ટરવ્યૂ લેવામાં આવશે. કોરોનાવાઈરસને કારણે દેશભરમાં નકારાત્મકતાનો માહોલ છે અને તેથી જ આ શોની ટેગલાઈન ઘણી જ રસપ્રદ છે. આ વખતની ટેગલાઈન છે, હર ચીઝ કો બ્રેક લગ શકતા હૈં…સપનોં કો નહીં
રજિસ્ટ્રેશનનો પ્રોમો અમિતાભ બચ્ચને પોતાના ઘરેથી શૂટ કર્યો હતો. ‘દંગલ’ ફૅમ નીતેશ તિવારીએ આ પ્રોમોનું ડિરેક્શન કર્યું છે. નીતેશ તિવારીએ કહ્યું હતું કે તેમણે પોતાના ઘરે એક સેમ્પલ વીડિયો બનાવીને અમિતાભ બચ્ચનને મોકલ્યો હતો. અમિતાભ બચ્ચને સેમ્પલ વીડિયો પ્રમાણે પ્રોમો શૂટ કરીને મોકલ્યો હતો.