કેદારનાથ ધામના કપાટ ખુલી ગયા છે. હિંદુ કેલેન્ડ પ્રમાણે આ મંદિરના કપાટ દર વર્ષે વૈશાખ મહિનામાં એટલે માર્ચ-એપ્રિલમાં ખોલવામાં આવે છે. લગભગ 6 મહિના સુધી અહીં દર્શન અને યાત્રા શરૂ રહે છે. ત્યાર બાદ કારતક મહિનો એટલે ઓક્ટોબર-નવેમ્બરમાં ફરી કપાટ બંધ થઇ જાય છે. કપાટ બંધ થવા પર ભગવાન કેદારનાથને પાલખી દ્વારા ઊખીમઠ લઇ જવામાં આવે છે અને ત્યાં ઓંકારેશ્વર મંદિરમાં 6 મહિના સુધી તેમની પૂજા કરવામાં આવે છે.
કેદારનાથ ઉત્તરાખંડના 4 ધામમાંથી ત્રીજું ધામ છે. આ સિવાય તે 12 જ્યોતિર્લિંગોમાં સૌથી ઊંચી જગ્યાએ બનેલું અગિયારમું શિવલિંગ છે. મહાભારત પ્રમાણે અહીં શિવજીએ પાંડવોને બળદ સ્વરૂપમાં દર્શન આપ્યાં હતાં. આ મંદિર લગભગ 1 હજાર વર્ષ પહેલાં આદિ શંકરાચાર્યે બનાવ્યું હતું. આ તીર્થ 3,581 વર્ગ મીટરની ઊંચાઈએ ગૌરીકુંડથી લગભગ 16 કિમી દૂર છે.
સ્કંદ પુરાણ પ્રમાણે ગઢવાલને કેદારખંડ કહેવામાં આવે છે. કેદારનાથનું વર્ણન મહાભારતમાં પણ છે. મહાભારત યુદ્ધ બાદ પાંડવોએ અહીં પૂજા કરી હોય તેવી વાત સામે આવે છે. માન્યતા છે કે, 8મી-9મી સદીમાં આદિ શંકરાચાર્ય દ્વારા હાલનું મંદિર બનાવવામાં આવ્યું હતું. બદ્રીનાથ મંદિર વિશે સ્કંદ પુરાણ અને વિષ્ણુ પુરાણમાં વર્ણન મળે છે. બદ્રીનાથ મંદિર વૈદિક કાળમાં પણ ઉપસ્થિત હોવાનું પુરાણોમાં ઉલ્લેખવામાં આવ્યું છે. થોડી માન્યતાઓ પ્રમાણે, અહીં પણ 8મી સદી બાદ આદિ શંકરાચાર્યે મંદિર બનાવ્યું હતું.
શિવ મહાપુરાણની કથા પ્રમાણે મહાભારત યુદ્ધ પૂર્ણ થવા પર પાંડવોએ પરિવાર અને પોતાના જ ગૌત્ર હત્યાના દોષથી મુક્તિ મેળવવા માટે વેદવ્યાસજીથી પ્રાયશ્ચિતનો ઉપાય પૂછ્યો. ત્યારે વેદવ્યાસજીએ જણાવ્યું કે, પાપમાંથી મુક્તિ મેળવવા માટે કેદાર ક્ષેત્રમાં જઇને ભગવાન કેદારનાથનું દર્શન અને પૂજા કરવી જોઇએ. ત્યાર બાદ પાંડવોએ કેદાખંડની યાત્રા શરૂ કરી.
કેદારખંડમાં પાંડવોને જોઇ ભગવાન શિવ ગુપ્તકાશીમાં જતાં રહ્યાં હતાં. ત્યાર બાદ થોડે દૂર જઇને શિવજીએ એક બળદનું સ્વરૂપ ધારણ કર્યું. પાંડવોને જાણ થઇ કે આ બળદ સ્વરૂપમાં શિવજી જ છે. ભગવાન શિવે પાંડવોના મનની વાત જાણી લીધી. ત્યાર બાદ તેઓ ધરતીમાં ફસાવવા લાગ્યાં. ભીમે તેમને રોકવા માટે બળદ સ્વરૂપી શવજીની પૂંછડી પડી લીધી અને અન્ય પાંડવ પણ કરૂણા સાથે રડવા લાગ્યાં અને ભગવાન ભોળાનાથની સ્તૃતિ કરવા લાગ્યાં. જેથી ભગવાન પ્રસન્ન થઇને તેમની પ્રાર્થનાથી બળદની પીઠ ઉપર ત્યાં જ સ્થિત થઇ ગયાં. પાંડવોએ તેમની પૂજા કરીને ગૌત્ર હત્યાના પાપમાંથી મુક્તિ મેળવી.
ઊખીમઠના મેનેજર અરૂણ રતૂડી પ્રમાણે કેદારનાથ ધામના કપાટ ખોલવાની તારીખ અને સમય ફેબ્રુઆરીમાં મહાશિવરાત્રિએ નક્કી થઇ જાય છે. આ મુહૂર્ત ઊખીમઠના ઓંકારેશ્વર મંદિરના પૂજારી પંચાંગ પ્રમાણે કાઢે છે. કપાટ ખોલવાનું મુહૂર્ત મોટાભાગે અક્ષય તૃતીયા અથવા તેના એક-બે દિવસ પછીની તારીખ હોય છે. 6 મહિના સુધી કેદારનાથ યાત્રા શરૂ રહે છે. મેનેજર રતૂડી પ્રમાણે કેદારનાથના કપાટ બંધ થવાની તારીખ નિશ્ચિત રહે છે. દર વર્ષે દિવાળીના બે દિવસ બાદ ભાઈબીજ પર સવારે પૂજા-અર્ચના કરી મંદિરના કપાટ બંધ કરી દેવામાં આવે છે. આ વર્ષે 16 નવેમ્બરે કેદારનાથ મંદિરના કપાટ બંધ થશે.
અક્ષય તૃતીયા બાદ ઉત્તરાખંડના ચારેય ધામની યાત્રા શરૂ થઇ જાય છે. જે યમુનોત્રીથી શરૂ થઇને ગંગોત્રી પછી કેદારનાથ અને છેલ્લે બદ્રીનાથ ધામે પૂર્ણ થાય છે. મેનેજર રતૂડીએ જણાવ્યું કે, યમુનોત્રી અને ગંગોત્રીના કપાટ અક્ષય તૃતીયાએ ખુલી ગયા છે. ત્યાર બાદ કેદારનાથ ધામના કપાટ ખુલ્લાં. કોરોના મહામારીના કારણે આ વર્ષે બદ્રીનાથ ધામના કપાટ 15 મેના રોજ ખુલશે.