બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરનું નિધન થઈ ગયું. મુંબઈની હોસ્પિટલમાં ઋષિ કપૂરે અંતિમ શ્વાસ લીધા હતા. ઋષિ કપૂર છેલ્લા બે વર્ષથી કેન્સર સામે જંગ લડી રહ્યાં હતા પરંતુ હારી ગયા અને પંચતત્વમાં વિલીન થઈ ગયા. આ એક્ટરના અવસાનથી સમગ્ર બોલિવૂડ શોકમાં ડૂબી ગયું છે, ત્યારે સૌથી વધુ આઘાત મહાનાયક અને ઋષિ કપૂરના ખાસ મિત્ર અમિતાભ બચ્ચનને લાગ્યો છે. તેમને યાદ કરતાં બિગ બીએ તેમના બ્લોગ પર એક ઈમોશનલ પોસ્ટ લખી છે.
અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં ઋષિને ભાવુક શ્રદ્ધાજંલિ આપી છે. તેમણે ઋષિ કપૂર સાથેની કેટલીક યાદગાર પળો પણ શેર કરી છે. અમિતાભે તેમના બ્લોગમાં લખ્યું- મને રાજ કપૂરે એકવાર તેમના ઘરે આમંત્રણ આપ્યું હતું. ત્યારે મેં પહેલીવાર એક યુવાન, ઉત્સાહી અને મસ્તીખોર ચિંટુને જોયા.
મેં મોટાભાગે તેમને આર.કે. સ્ટુડિયોમમાં જોયા હતા. જ્યાં તેઓ તેમની ફિલ્મ બોબીની શૂટિંગ કરી રહ્યાં હતા. તેઓ એક એવા કલાકાર હતા જેઓ બધું જ શીખ માંગતા હતા અને બધું જ જાણવા માંગતા હતા. તેઓ ખૂબ જ આત્મવિશ્વાસી હતા. તેઓ મને પૃથ્વીરાજની યાદ અપાવતી હતી.
અમિતાભે જણાવ્યું કે, તેમણે ઋષિ સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. ઋષિ કપૂરની ડાયલોગ ડિલિવરી લાજવાબ હતી. તેમની દરેક લાઈન પર વિશ્વાસ કરી શકાતો હતો. બોલિવૂડમાં ગીતોની લિપ્સિંક ઋષિ કપૂરથી વધુ સારી રીતે કોઈ કરી શકતું નહોતું.
અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં ઋષિ કપૂરની જિંદાદિલીને પણ યાદ કરી છે. તેમણે લખ્યું-ઋષિ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ હસવાનો અને હસાવવાનો મોકો શોધી લેતા હતા. કોઈ પણ ઈવેન્ટ હોય તેઓ ત્યાં પણ કંઈને કંઈ એવું જોઈ જ લેતા હતા કે લોકો હસવા માટે મજબૂર થઈ જાય. બિગ બીએ આગળ લખ્યું- શૂટિંગ વખતે હું અને ઋષિ ઘણીવાર પત્તા રમતા હતા. તેમને Bagatelle Board રમવું પણ ખૂબ ગમતું હતું. તેઓ આને એક સ્પર્ધાની જેમ રમતા હતા.
અમિતાભ બચ્ચને પોતાના આ બ્લોગમાં ખુલાસો કર્યો કે, તેઓ ઋષિ કપૂરને મળવા ક્યારેય હોસ્પિટલ નથી ગયા. કારણકે તેઓ ઋષિ કપૂરના સદાય હસતા ચહેરા પર ક્યારેય ઉદાસી જોવા માગતા નહોતા. અમિતાભે બ્લોગના અંતે લખ્યું, જ્યારે ઋષિ આપણને છોડીને ગયા ત્યારે પણ તેમના ચહેરા પર સ્મિત જરૂર હશે.