રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કોરોના વાયરસની મહામારીને કારણે આ વર્ષે કોઈ જ પગાર નહીં લેવાનો નિર્ણય કર્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે આ અંગે 29મી એપ્રિલના રોજ જાણકારી આપી હતી. મુકેશ અંબાણી ઉપરાંત કંપનીના ટોંચના એક્ઝીક્યુટિવ્સે પણ વાર્ષિક પગારમાં અમુક હિસ્સો છોડવાનો નિર્ણય કર્યો છે.
કર્મચારીઓને લખેલા એક લેટરમાં RILના એક્ઝીક્યુટિવ ડિરેક્ટર હિતલ આર મેસવાનીએ કહ્યું કે, મુકેશ અંબાણી આ વર્ષે કોઈ જ પગાર નહીં લે. આ ઉપરાંત કંપનીના બૉર્ડ ઑફ ડિરેક્ટર્સ, એક્ઝીક્યુટિવ ડિરેક્ટર્સ, એક્ઝીક્યુટિવ કમિટી મેમ્બર્સ અને સીનિયર લીડર્સની સેલેરીમાં 30થી 50 ટકાની કપાત કરવામાં આવશે.
પત્રમાં કહેવામાં આવ્યું છે કે વર્તમાન સંકટની સ્થિતિમાં હાઇડ્રોકાર્બન બિઝનેસ વિશેષ રીતે પ્રભાવિત થયો છે. આ કારણે હાઇડ્રોકાર્બન બિઝનેસમાં કામ કરતા એવા કર્મચારીઓનો પગાર 10 ટકા કાપવામાં આવશે, જેનો વાર્ષિક પગાર 15 લાખ રૂપિયાથી વધારે છે. 15 લાખ સુધી વાર્ષિક પગાર ધરાવતા કર્મચારીઓના પગારમાં કોઈ કપાત કરવામાં નહીં આવે.
જોકે, કર્મચારીઓને પ્રથમ ક્વાર્ટરમાં દેવામાં આવતા પર્ફોર્મન્સ-લિન્ક્ડ-ઇન્સેન્ટિવ (PLI) અને કેશ પેમેન્ટને હાલ સ્થિગિત કરવામાં આવ્યું છે.
પત્રમાં કહેવામાં આવ્યું છે કે, રિફાઇન્ડ પ્રોડક્ટ અને પેટ્રોકેમિકલ્સની માંગમાં ભારે ઘટાડો આવવાને કારણે હાઇડ્રોકાર્બન બિઝનેસ પર પ્રભાવ પડ્યો છે. આ કારણે હાઇડ્રોકાર્બન પર ઑપરેટિંગ અને ફિક્સ્ડ કૉસ્ટમાં કાપ મૂકો. જેમાં કંપનીના દરેક વ્યક્તિનું યોગદાન જરૂરી છે.