એક તરફ કોરોના મહામારી ચાલી રહી છે, તો બીજી તરફ ઉનાળાની ગરમી ત્યારે આ વચ્ચે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્રમાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે. ભાવનગર, વલ્લભીપુર, અમરેલી, જૂનાગઢ, ગીરસોમનાથ, સાવરકુંડલા, સુરેન્દ્રનગર, બાબરા, જસદણ સહિતનના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે.
સૌરાષ્ટ્રના કેટલાક ગામોમાં ભારે પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડી હતી. તેવામાં કાળઝાળ ગરમી વચ્ચે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જોકે ભારે ગરમી વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો બીજી તરફ ખેડૂતોની મુશ્કેલી વધી છે.
અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે. બાબરાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. કોટડા પીઠા, પીર ખીજડિયા સહિતના ગામોમાં પવન સાથે વરસાદ આવ્યો છે.
રાજકોટ જિલ્લામાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ વરસાદ પડ્યો છે. ફાડદંગ, ગોલિડા, ડેરોઈ, રફાડા, મોવિયા અને શ્રીનાથગઢ ગામોમાં વચ્ચે કમોસમી વરસાદી ઝાપટું વરસ્યું છે. ધોરાજી અને ઉપલેટા પંથકમાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. ભારે ઉકળાટ બાદ ઉપલેડા સહિતના વિસ્તારમાં વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે. તો સાવરકુંડલાના ઓળીયા સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો છે.
અમરેલીમા ભારે વરસાદથી રાજકોટ અમરેલી સ્ટેટ હાઇવે બંધ થયો છે. ભીલડી નજીક ભારે પવનને કારણે સ્ટેટ હાઇવે પર વૃક્ષો ધરાશાયી થયા છે. બાબરા-અમરેલી હાઇવે પર વૃક્ષ ધરાશાયી થતા હાઇવે બંધ થયો છે. ભીલડી ગામથી ભિલા ગામથી રોડ ડાયવર્ટ કરવામાં આવ્યો છે.
કોરોનાની મહામારી વચ્ચે વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી છે. વરસાદથી ઉનાળુ પાકને નુકસાન પહોંચ્યું છે. કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન જવાની ભીતી છે. તલી, મગફળી સહિતના પાક પર વરસાદી પાણી પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.