વિશ્વ પ્રસિદ્ધ કેદારનાથ ધામના કપાટ આજે વિધિ અને પૂજા અર્ચના બાદ ખુલ્લા મુકાયા છે. કેદારનાથ ધામના કપાટ ખુલ્લા મુકાયા છે. કોરોનાની મહામારીના કારણે ભક્તો કેદારનાથના દર્શન નહી કરી શકે. આ વખતે મંદિરમાં શિવભક્તો નિત્યપૂજા, ઓનલાઈન પૂજા નહી કરી શકે. કપાટ ખોલ્યા બાદ માત્ર ભોગ, શણગાર અને સાંજની આરતી કરવાનો નિર્ણય કરાયો છે. ઉલ્લેખનીય છે કે મંદિરમાં પહેલી પૂજા PM મોદીના નામે સંપન્ન કરાઈ હતી. પૂજામાં 16 પૂજારી સામેલ થયા હતા.
સામાન્ય રીતે મોટી સંખ્યામાં ભક્તો અને મુનિઓ કપાટ ખોલવાની દિવ્ય ક્ષણની સાક્ષી માટે કેદારધામ પહોંચે છે. કોરોના રોગચાળાને કારણે વહીવટી તંત્ર દ્વારા ભક્તોને મંદિરમાં દર્શન કરવાની મંજૂરી આપવામાં આવી નથી. આ વખતે કેદારનાથ ધામમાં મર્યાદિત સંખ્યામાં કર્મચારીઓ, પુજારીઓ અને વેદપઠન કરનારાઓ ઉપસ્થિત રહેશે. મંદિરમાં માત્ર ભોગ, બપોરે શૃંગાર અને સાંજે આરતી થશે. આજે કેદારનાથનું મંદિર 10 ક્વિન્ટલ ફૂલોથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું.
હાલમાં કેદારનાથ ધામમાં ઓનલાઈન પૂજા પર પણ રોક લગાવવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન અને ભીડ એકઠી ન થાય તે માટે તંત્ર દ્વારા લોકોને કેદારનાથ જવાની પરવાનગી આપવામાં આવી નથી. જેના કારણે આજે કપાટ ખુલ્યા બાદ લોકો દેખાયા ન હતા. આજે 20 જેટલા પુજારી અને પોલીસકર્મીઓ જ મંદિરમાં દેખાયા હતા.
મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે પણ બાબા કેદારનાથ મંદિરના દરવાજા ખોલવાની ભક્તોને શુભકામના પાઠવી છે. તેમણે પોતાના સંદેશમાં કહ્યું કે, તમામ ભક્તોને શુભકામના. તમારી મનોકામના પૂર્ણ થાય, બાબા કેદારનાથનો આશીર્વાદ દરેક ઉપર રહે, ભગવાન કેદારનાથની શુભકામના. કોરોના રોગચાળાના આ વૈશ્વિક સંકટમાં, આપણે ઘરે રહીને બાબા કેદારની પૂજા કરવી જોઈએ. સામાજિક અંતરનું પાલન કરવું જોઈએ, ઘરે જ રહેવું જોઈએ, સુરક્ષિત રહેવું જોઈએ.