કોરોના કેસ સામેની લડાઈ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે શહેરમાં હવે કોરોનાના કેસના આંકમાં ઘટાડો થઈ રહ્યો છે. કેસની સંખ્યા ઘટાડવા માટે હવે નવી સ્ટ્રેટેજી અપનાવવામાં આવી છે. ત્રણ Sની સ્ટ્રેટેજી અપનાવાઈ છે. જેમાં સુપર સ્પ્રેડર્સ, સ્લમ અને સિનીયર સિટીઝન પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.
આ ત્રણેય પર ટાર્ગેટ કરવામાં આવશે તો મૃત્યુ દર ઘટશે અને કેસમાં પણ ઘટાડો નોંધાશે. ત્યારે મ્યુ. કમિશનરે અ.મ્યુ.કો.ની વેબસાઇટમાં ઉમેરવામાં આવેલી નવી માહિતી અંગે પણ જાણ કરી હતી. અમદાવાદીઓ જાણ શકશે કે ક્યો વિસ્તાર રેડ ઝોનમાં છે અને કયો વિસ્તાર ઓરેન્જ ઝોનમાં છે.
મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું હતું કે અમદાવાદમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 2 હજાર 364 થઈ ગઈ છે. તો અમદાવાદમાં કોરોનાના 2 હજાર 16 એક્ટિવ કેસ છે. શહેરમાં અત્યાર સુધીમાં 107 દર્દીના મોત થયા છે. અમદાવાદમાં નવુ કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ખાનપુરની લેમન ટ્રી હોટલ શરૂ કરાઈ છે. જેમાં 60 રૂમની વ્યવસ્થા કરાઈ છે. 100થી 125 દર્દીઓને સારવાર આપવામાં આવશે. આ હોટલમાં રહેવા અને જમવાનો 3 હજાર રૂપિયા ખર્ચ આપવાનો રહેશે.
દાણીલીમડા, બહેરામપુરા, જમાલપુર, ખાડિયા, દરિયાપુર અને શાહપુર આ 6 વિસ્તાર રેડઝોનમાં છે અને બાકીના 42 વિસ્તાર ઓરેન્જ ઝોનમાં છે. ઓરેન્જ ઝોનઃ પાલડી, નવરંગપુરા, નારણપુરા, વાડજ, એસ.પી. સ્ટેડિયમ, રાણીપ, મોટેરા, વાસણા, ચાંદખેડા, સરખેજ, મકતમપુરા, જોધપુર, વેજલપુર, વટવા, મણીનગર, ઇન્દારપુરી, ખોખરા, લાંભા, ઇસનપુર, નરોડા, સરસપુર, બાપુનગર, ઇન્ડિયા કોલોની, ઠક્કરબાપાનગર, સરદારનગર, કુબેરનગર, સૈજપુર, બોડકદેવ, ચાંદલોડિયા, થલતેજ, ગોતા, ઘાટલોડિયા, અસારવા, શાહિબાગ, ગોમતીપુર, અમરાઇવાડી, વિરાટનગર, ઓઢવ, નિકોલ, રામોલ, વસ્ત્રાલ, ભાઇપુરા. ત્યારે તમે મેપ દ્વારા જાણી શકશો કયો વિસ્તાર રેડ ઝોનમાં છે અને કયો ઓરેન્જ ઝોનમાં છે.
જો રેડ ઝોનમાં સતત 14 દિવસ સુધી કોરોનાનો એક પણ કેસ નહી નોંધાય તો તેને ઓરેન્જ ઝોન જાહેર કરાશે. જો ઓરેન્જ ઝોનમાં સતત 14 દિવસમાં એક પણ કેસ કોરોનાનો નહી નોઁધાય તો તેને ગ્રીન ઝોન જાહેર કરાશે. હાલની સ્થિતિએ અમદાવાદમાં એક પણ ગ્રીન ઝોન નથી. આથી ઉલટુ જો ગ્રીન ઝોનમાં કોરોનાનો પોઝિટીવ કેસ નોંધાશે તો તેને ઓરેન્જ ઝોનની કેટેગરીમાં મુકાશે અને ઓરેન્જ ઝોનમાં કેસ નોંધાશે તો તેને રેડ ઝોન જાહેર કરાશે.