કોરોના સંક્રમણથી બચવા ભારતીય પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે અને તે ખૂબ કારગત સાબિત થઈ રહી છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા ઘરગથ્થુ ઉપચારો તથા આયુર્વેદ અને હોમીયોપેથિ દવાઓને વધુને વધુ નાગરિકો પ્રાથમિકતા આપી રહ્યા છે.
કોરોના સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓ કે જેઓને ક્વોરેન્ટાઈન કરાયેલા છે તે પૈકી 91,341 વ્યકિતઓએ આયુર્વેદ અને હોમિયોપેથી ઉપચાર પદ્ધતિ અપનાવી છે. આશ્ચર્યજનક બાબત એ છે કે ક્વોરેન્ટાઈન વ્યક્તિઓમાં જે 91,341 લોકોએ આયુર્વેદ-હોમિયોપેથી ઉપચાર પદ્ધતિ અપનાવી હતી. તે પૈકી માત્ર 15 દર્દીઓના જ રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે, જે તમામ 15 દર્દીઓએ ત્રણ દિવસથી પણ ઓછો સમય આ રોગપ્રતિકારક શક્તિવર્ધક દવાઓનું સેવન કર્યું હતું.
નોવેલ કોરના વાયરસનું સંક્રમણ હાલ સમગ્ર વિશ્વમાં વ્યાપી ગયુ છે, આવામાં શરીરની રોગ પ્રતિકારક શકિતને વધારવી એ મહત્વપૂર્ણ બાબત બની ગઈ છે. દેશના આયુષ મંત્રાલયે પણ આયુર્વેદ તજજ્ઞો સાથે ચર્ચા કરીને ભારતીય પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ સૂચવેલા ઘરગથ્થુ ઉપચારો કરવા તથા આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે ઉપાયો સૂચવ્યા છે. જેનો મહત્તમ ઉપયોગ કરવા આરોગ્ય અગ્ર સચિવ ડૉ.જયંતિ રવિએ જણાવ્યું છે.
ગુજરાત સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આ અંગે માર્ગદર્શિકા તૈયાર કરાઈ છે. ડો. જયંતિ રવિએ જણાવ્યું કે, કોરોના સંક્રમણથી બચવા રોગ પ્રતિકારક શકિત વધારવી એ જ ઉત્તમ ઔષધ અને શ્રેષ્ઠ ઉપચાર છે. રાજ્યમાં દોઢ મહિનામાં 1.18 કરોડ ઉકાળા, 3.08 લાખ શમશમવટી અને 82.71 લાખ આર્સેનિકમ આલ્બમ – 30 પોટેન્સી હોમિયોપેથી દવાઓનું વિતરણ કરાયું છે.
આયુર્વેદના રોગ પ્રતિરોધક અમૃતપેયનું તમામ સરકારી આયુર્વેદ દવાખાના દ્વારા વિતરણ કરવામાં આવી રહ્યુ છે. દોઢ મહિનામાં આજ સુધીમાં ૧,૧૮,૩૭,૦૧૦ લાભાર્થીઓને ઉકાળા અને ૩૦,૦૮,૦૨૮ લાભાર્થીઓને શમશમવટીનો લાભ અપાયો છે. એ જ રીતે હોમિયોપેથીની રોગપ્રતિરોધક ઔષધ આર્સેનિકમ આલ્બમ -૩૦ પોટેન્સી દવાનો તમામ સરકારી હોમીયોપથી દવાખાના દ્વારા ૮ર,૭૧,૪૪૭ લાભાર્થીઓને લાભ અપાયો છે.