દેશમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. દિલ્હીમાં સ્વાસ્થ્ય મંત્રાલય અને ગૃહ મત્રાલયની સંયુક્ત પત્રકાર પરિષદ અનુસાર, દેશમાં ગત 24 કલાકમાં 1396 નવા કેસ નોંધાયા છે. આમ દેશમાં હવે કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા વધીને 27,892 થઇ ગયા છે. જ્યારે હાલમાં 20835 એક્ટિવ કેસ છે. ગત 1 દિવસમાં કોરોનાથી કુલ 381 લોકો ઠીક થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે આપણી લડાઇ બીમારીથી છે, બીમાર વ્યક્તિ સાથે નહીં. કોરોના સંક્રમણનો ભોગ બનનાર વ્યક્તિ સાથે ભેદભાવ ન કરવામાં આવે. કોરોના યોદ્ધાઓને દિલથી સન્માન આપવાની કોશિશ કરવી જોઇએ.
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશના 85 જિલ્લાઓમાં ગત 14 દિવસોથી કોઇ કેસ નોંધાયો નથી. 16 જિલ્લાઓમાં 28 દિવસથી કોઇ કેસ નોંધાયો નથી. મહારાષ્ટ્રનું ગોદિંયા, કર્ણાટકનું દાવનગેરે અને બિહારમાં લખી સરાય, આ ત્રણેય નવા જિલ્લા આ લિસ્ટમાં જોડાયા છે. જ્યારે ઉત્તર પ્રદેશના પીલીભીત અને પંજાબના એક જિલ્લામાં ફરી નવા કેસ આવ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલ અનુસાર, દેશમાં કોરોના વાયરસ બીમારીથી અત્યાર સુધીમાં કુલ 6185 લોકો ઠીક થયા છે. આમ કોરોનાના સંક્રમણથી રિકવરી રેટ વધ્યો છે. કોરોના વાયરસથી રિકવરી રેટ વધીને 22.17 ટકાએ પહોંચ્યો છે.
ગૃહ મંત્રાલયે કહ્યું કે દેશમાં લૉકડાઉન દરમિયાન કેટલાક વિસ્તારોમાં છૂટ અપાઇ છે. જ્યારે 60 ટકા ફૂડ પ્રોસેસિંગ યુનિટ શરૂ થયા છે તથા 26 એપ્રિલ સુધીમાં દેશમાં 80 ટકા ઘંઉની કાપણી થઇ ચૂકી છે. દાળ તથા તેલીબિયાંની ખરીદી જારી છે. દેશમાં કોરોના વાયરસની સ્થિતિની સમીક્ષા કરાઇ રહી છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે લૉકડાઉન દરમિયાન સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવવું જરૂરી છે.
ગૃહ મંત્રાલયના પ્રવક્તા પુણ્ય સલિલા શ્રીવાસ્તવે સોમવારે જણાવ્યું કે 2 કરોડથી વધારે લોકોને રોજગાર મળ્યો છે. મનરેગા હેઠળ પણ કામ થઇ રહ્યું છે. ગ્રામીણ ક્ષેત્રોમાં ઇંટ ભઠ્ઠા વગેરે શરૂ થઇ ગયા છે. જેના કારણએ પ્રવાસી મજૂરોને રોજગાર મળી રહ્યું છે. તેઓએ કહ્યું કે જોકે આ દરમિયાન ગૃહ મંત્રાલયના દિશાનિર્દેશનું પાલન કરવું જરૂરી છે. આંતર મંત્રાલયી ટીમોએ સંબંધિત રાજ્યોમાં જઇને કામ કરવાનું શરૂ કરી દીધું છે. રાજ્યોની સાથે અમે તેમની વિશેષજ્ઞતા શૅર કરીને કોરોના વિરુદ્ધ જંગને વધુ મજબૂત બનાવી શકીએ છીએ.