કોરોનાના કહેર વચ્ચે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે,કેન્દ્ર સરકારે ગ્રીન ઝોનમાં ખુલ્લી રાખી શકાય તેવી દુકાનોની યાદી વધારી દીધી છે. ગૃહમંત્રાલયના નવા આદેશ મુજબ શહેરી ક્ષેત્રોમાં સંબંધિત રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશોના શોપ્સ એન્ડ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ હેઠળ નોંધાયેલી તમામ દુકાનો ખોલી શકાશે.
તેમાં ગલી મોહલ્લાની દુકાનો તથા સ્ટેન્ડ એલોન શોપ અને નિવાસી પરિસરમાં બનેલી દુકાનોનો પણ સમાવેશ થાય છે. જો કે શહેરોમાં માર્કેટ કોમ્પલેક્સ, મલ્ટિબ્રાન્ડ અને સિંગલ બ્રાન્ડ મોલ ખોલી શકાશે નહીં. આ તમામ દુકાનો અડધા કર્મચારીથી કામ ચલાવશે. તેમણે માસ્ક પહેરવું પડશે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે.
સરકારે જણાવ્યું હતું કે, હોટસ્પોટ જાહેર કરાયા હોઈ તેવા વિસ્તારો અને કન્ટેઇનમેન્ટ કરાયા હોઈ તેવા વિસ્તારોમાં કોઈ પણ દુકાનો કે ધંધા રોજગારને શરુ કરવામાં આવશે નહિ. હાલની પરિસ્થિતિએ આવા તમામ સ્થળોએ દુકાનો બંધ જ રહેશે.
ઓર્ડર મુજબ જે લોકો પોતાની દુકાનો ખોલે છે તેઓએ પોતાના સ્ટાફ માટે માસ્ક અને ગ્લોવ્ઝ સહીત સલામતીની તમામ વ્યવસ્થા કરવાની રહેશે. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ કડક રીતે પાલન કરવાનું રહેશે.
કેન્દ્ર સરકારના ઓર્ડર મુજબ મહાનગરપાલિકાની હદમાં આવેલા માર્કેટ કોમ્પ્લેક્સ, મોલ, સિંગલ બ્રાંડ અને મલ્ટી બ્રાંડ મોલ્સમાં આવેલી દુકાનો માટે આ નિયમ લાગુ પડશે નહી એટલે કે આ દુકાનો ખોલવા માટે મંજુરી આપવામાં આવી નથી.