ઉનાળાની શરૂઆત સાથે શરૂ થાય છે કેરીની સીઝન અને કેરીની સીઝન સાથે શરૂ થાય છે અથાણા ભરવાની સીઝન. મોટાભાગની ગૃહિણીઓ અથાણું બનાવવા માટે મેથીયો મસાલો બહારથી લાવવાનું વધારે પસંદ કરે છે. પરંતુ હવે તેમ કરવાની જરૂર નથી. મેથીયો મસાલો તમે ઘરે પણ બનાવી શકો છો.
સામગ્રી
250 ગ્રામ રાઈના કુરિયા
125 ગ્રામ મેથીના કુરિયા
3 ચમચી મીઠું
3 ચમચી હિંગ
1/2 કપ કાશ્મીરી લાલ મરચું પાઉડર
1/2 કપ તીખું મરચું પાઉડર
6 ચમચી તેલ
1 ચમચી હળદર
બનાવવાની રીતઃ
એક પેન લો. તેમાં રાઈના કુરિયા શેકી લો. ગેસની ફ્લેમ ધીમી રાખવી અને કુરિયામાંથી રાઈની સુગંધ આવે ત્યાં સુધી શેકાવા દેવા. કુરિયા શેકાઈ જાય એટલે તેને એક પ્લેટમાં લઈને ઠંડા થવા દો.ફરીથી એક પેન લો. તેમાં મેથીના કુરિયા શેકી લો. ગેસની ફ્લેમ ધીમી રાખવી અને મેથીની સુગંધ આવે ત્યાં સુધી શેકાવા દેવા. મેથીના કુરિયા શેકાઈ જાય એટલે તેને પણ પ્લેટમાં લઈને ઠંડા થવા દો.મેથીના કુરિયા અને રાઈના કુરિયાને અલગ-અલગ મિક્સર જારમાં લઈને ક્રશ કરી લો. બંને પાઉડર ન થઈ જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવું. ક્રશ કરેલા કુરિયાને એક બાઉલમાં લઈ લો. તેમાં હિંગ ઉમેરો.એક પેનમાં તેલ લઈને ગરમ થવા દો. તેલ ગરમ થઈ જાય એટલે તેને ક્રશ કરેલા કુરિયાની ઉપર રેડી દો. બાઉલ પર ઢાંકણ ઢાંકી 2-5 મિનિટનો રેસ્ટ આપો. હવે આ મિશ્રણમાં મીઠું અને હળદર ઉમેરો. હળદર નહીં ઉમેરો તો પણ ચાલશે. આ બધી સામગ્રીને મિક્સ કરી લો. તેમાં મીઠું અને લાલ મરચું પાઉડર ઉમેરીને હાથથી મિક્સ કરી લો. તો તૈયાર છે મેથીયો મસાલો.