દેશના મહત્ત્વના મુદ્દાઓ પર સેલેબ્સ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા હોય છે. લૉકડાઉન દરમિયાન પણ દેશમાં થઈ રહેલી ઘટનાઓનો પર સેલેબ્સના રિએક્શન આવે છે. હવે, અનુષ્કા શર્મા, વિરાટ કોહલી, વિદ્યા બાલન, કરન જોહર, દિયા મિર્ઝા, રાહુલ બોઝ, માધુરી દીક્ષિત, ફરહાન અખ્તર તથા મહિલા ક્રિકેટર મિતાલી રાજનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં સેલેબ્સ લૉકડાઉન દરમિયાન વધતી જતી ઘરેલુ હિંસાના વિરોધમાં ફરિયાદ કરવાની માગણી કરી રહ્યાં છે.
https://twitter.com/i/status/1251881525588590593
વીડિયોમાં સેલેબ્સ કહે છે, લૉકડાઉન દરમિયાન ડોમેસ્ટિક વાયોલન્સના કેસમાં વધારો થયો છે. આ સમય હિંસાના વિરોધમાં ઊભા રહેવાનો સમય છે. આ સમય છે ઊભા થાવ અને પોતાનું મૌન તોડો. જો તમારા ઘરમાં તમે ઘરેલુ હિંસાનો ભોગ બનો તો રિપોર્ટ કરો. જો તમારી આસપાસમાં કોઈની સાથે ઘરેલુ હિંસા થતી હોય તો રિપોર્ટ કરો. ચાલો સાથે મળીને ઘરેલુ હિંસા પર પણ લૉકડાઉન લગાવીએ.
ઉલ્લેખનીય છે કે દેશમાં જ્યારથી લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારથી મહિલાઓ વિરુદ્ધના અપરાધોમાં વધારો થયો છે. રાષ્ટ્રીય મહિલા આયોગને 23 માર્ચથી 16 એપ્રિલ સુધીમાં 587 ફરિયાદો મળી હતી. 27 ફેબ્રુઆરીથી 22 માર્ચ સુધી 396 ફરિયાદ મળી હતી અને આમાંથી 123 ફરિયાદો ડોમેસ્ટિક વાયોલન્સની હતી. જોકે, 23 માર્ચથી 16 એપ્રિલની વચ્ચે મહિલા આયોગને જે 587 ફરિયાદો મળી, તેમાંથી 239 ફરિયાદો ઘરેલુ હિંસાની હતી.