હેરી બ્રુક ગોલ્ડન ડક પર આઉટ: હેમિલ્ટનના સેડન પાર્ક ખાતે ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચના બીજા દિવસે, જ્યાં યજમાન કીવી ટીમ તેની પ્રથમ મેચમાં 347 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી ન્યૂઝીલેન્ડ ટીમના બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે ઈંગ્લેન્ડની ટીમનો પ્રથમ દાવ માત્ર 143ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગયો હતો. આ મેચમાં રમી રહેલા વર્તમાન આઈસીસી નંબર-1 ટેસ્ટ બેટ્સમેન હેરી બ્રુક સાથે તેની ટેસ્ટ કારકિર્દીમાં પ્રથમ વખત એક એવી ઘટના બની, જેની કોઈએ અપેક્ષા પણ નહોતી કરી. આ સિરીઝમાં અત્યાર સુધી બ્રુકનું બેટ જોરદાર બોલતું જોવા મળ્યું છે, જેમાં તેણે 2 સદી અને એક અડધી સદી ફટકારી છે.
ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ વખત ગોલ્ડન ડક પર આઉટ થયો બ્રુક
હેરી બ્રુક માટે વર્ષ 2024 અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં ખૂબ જ સારું રહ્યું છે, જેમાં તે હાલમાં ICC ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં નંબર-1 સ્થાન પર છે. જો કે, આ વર્ષની છેલ્લી મેચ બ્રુક માટે બેટ સાથે ખાસ રહી ન હતી, જેમાં સેડન પાર્ક ખાતે ઈંગ્લેન્ડની ટીમની પ્રથમ ઈનિંગમાં જ્યારે તે બેટિંગ કરવા આવ્યો ત્યારે તે વિલિયમ ઓ’રર્કેના ઇનકમિંગ બોલને સમજી શક્યો ન હતો. જે તેના બેટની કિનારે વાગ્યો અને બોલ સીધો સ્ટમ્પ તરફ ગયો અને વિકેટ પડી. બ્રુક તેની ઇનિંગ્સના પ્રથમ બોલ પર બોલ્ડ થયા બાદ પેવેલિયન પરત ફર્યો, આ તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ ગોલ્ડન ડક પણ હતી. હેરી બ્રુક તેની કારકિર્દીમાં અગાઉ એક વખત શૂન્ય રને આઉટ થયો હતો પરંતુ તે મેચમાં તે એકપણ બોલનો સામનો કર્યા વિના રનઆઉટ થયો હતો.
ન્યુઝીલેન્ડે મેળવી હતી 204 રનની લીડ
આ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગને માત્ર 143 રનમાં સમેટીને 204 રનની જંગી લીડ મેળવી હતી અને મેચમાં પોતાની પકડ પણ મજબૂત કરી લીધી હતી. કીવી ટીમ માટે બોલિંગમાં મેટ હેનરીએ શાનદાર બોલિંગ કરી અને 4 વિકેટ લીધી, આ સિવાય વિલિયમ ઓ’રર્કે અને મિશેલ સેન્ટનર પણ 3-3 વિકેટ લેવામાં સફળ રહ્યા. આ પહેલા કિવી ટીમના પ્રથમ દાવમાં મિશેલ સેન્ટનરના બેટમાંથી પણ શાનદાર 76 રન જોવા મળ્યા હતા.