અતુલ સુભાષ આત્મહત્યા કેસમાં પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. મૃતક અતુલ સુભાષની પત્ની નિકિતા સિંઘાનિયા, તેની માતા નિશા સિંઘાનિયા અને ભાઈ અનુરાગ સિંઘાનિયાની બેંગલુરુ પોલીસે ધરપકડ કરી છે. નિકિતાની ગુરુગ્રામથી અને માતા અને ભાઈની અલ્હાબાદથી ધરપકડ કરવામાં આવી છે.
બેંગલુરુ કોર્ટમાં કરવામાં આવ્યા રજૂ
આ પછી, બંનેને બેંગલુરુ લાવવામાં આવ્યા અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, કોર્ટે બંનેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. 13 ડિસેમ્બરે બેંગલુરુ પોલીસે અતુલ સુભાષની પત્ની નિકિતા સિંઘાનિયાના જૌનપુરના ઘરની બહાર નોટિસ ચોંટાડી હતી.
પુત્રને મળવા માટે માંગ્યા હતા 30 લાખ
બેંગલુરુ પોલીસે આરોપીઓને શોધવા માટે ઉત્તર પ્રદેશ પોલીસની મદદ લેવાનો નિર્ણય કર્યા બાદ આ ધરપકડો કરવામાં આવી છે. ત્રણેય આરોપીઓ પર અતુલ સામેનો કેસ પાછો ખેંચવા માટે 3 કરોડ રૂપિયા અને પુત્રને મળવાના હક માટે 30 લાખ રૂપિયાની માંગ કરવાનો આરોપ છે.
અતુલ સુભાષે લખી 24 પાનાની સુસાઈડ નોટ
બેંગલુરુમાં AI એન્જિનિયર અતુલ સુભાષે સોમવારે તેના બેંગલુરુ એપાર્ટમેન્ટમાં આત્મહત્યા કરી હતી. તેણે 24 પાનાની સુસાઈડ નોટ છોડી હતી. 34 વર્ષીય AI એન્જિનિયરે આત્મહત્યા કરતા પહેલા રમ્બલ પર 90 મિનિટનો વીડિયો પણ છોડી દીધો હતો.
સાસરિયાઓ અને જજ પર લગાવવામાં આવ્યા ગંભીર આરોપો
પોતાની સુસાઈડ નોટમાં અતુલે તેની પત્ની અને તેના સંબંધીઓ પર હેરાનગતિનો આરોપ લગાવ્યો છે. મૃતક અતુલ સુભાષે એવો પણ આરોપ લગાવ્યો હતો કે એક ન્યાયાધીશે કેસ પતાવવા માટે 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી.
આપઘાત બાદ સાસરીયાઓ થઇ ગયા હતા ફરાર
અતુલ સુભાષના આપઘાત બાદ તેના સાસરીયાઓ ફરાર થઈ ગયા હતા. જૌનપુરમાં પોતાનું ઘર છોડી દીધું હતું. પોલીસ તેની ધરપકડ કરવામાં વ્યસ્ત હતી. હવે ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.