ભારતીય-અમેરિકન રાજા કૃષ્ણમૂર્તિ સહિત બે અમેરિકી સાંસદોએ ગૂગલ અને એપલને પત્ર લખીને તેમના એપ સ્ટોર્સમાંથી TikTok દૂર કરવા જણાવ્યું છે. એપ્રિલમાં, યુએસમાં એક બિલને કાયદામાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું, જે મુજબ ટિકટોકની માલિકી ધરાવતી ચીની કંપની ByteDanceએ 19 જાન્યુઆરી, 2025 સુધીમાં તેનાથી અલગ થવું પડશે. જો આમ નહીં થાય તો તેને અમેરિકામાં પ્રતિબંધનો સામનો કરવો પડશે.
પત્રમાં જણાવાઈ હતી આ વાત
હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની સ્ટેન્ડિંગ કમિટી ઓન ચાઇના અફેર્સ (સીસીપી)ના અધ્યક્ષ જોન મૂલનાર અને વરિષ્ઠ સભ્ય કૃષ્ણમૂર્તિએ એપલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ) ટિમ કૂક, ગૂગલના સીઇઓ સુંદર પિચાઇ અને ટિકટોકના સીઇઓ શો જી ચ્યુને પત્ર લખ્યા છે. સાંસદોએ કૂક અને પિચાઈને 19 જાન્યુઆરી સુધીમાં તેમના પ્લે સ્ટોર પરથી TikTok દૂર કરવા માટે તૈયાર રહેવા કહ્યું છે. TikTokના CEOને તેમના પત્રમાં, તેઓએ ચ્યુને તરત જ એક વિનિવેશ પ્રસ્તાવ સબમિટ કરવા કહ્યું જે તે સ્વીકારી શકે.
કોર્ટે હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો
યુએસના ધારાશાસ્ત્રીઓનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એક અદાલતે કોંગ્રેસ દ્વારા પસાર કરાયેલા કાયદામાં દખલ કરવાનો ઇનકાર કર્યો છે, જેના હેઠળ ટિકટોકને જાન્યુઆરીના મધ્ય સુધીમાં તેનો યુએસ બિઝનેસ સ્થાનિક કંપનીને વેચવો પડશે અથવા પ્રતિબંધનો સામનો કરવો પડશે. કંપનીએ યુએસ સરકારના નિર્ણયને પડકાર્યો હતો અને અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી નિર્ણયની અમલવારી અટકાવવા વિનંતી કરી હતી, જેને ફેડરલ અપીલ કોર્ટે ફગાવી દીધી હતી. એવું માનવામાં આવે છે કે TikTok અને તેની પેરેન્ટ કંપની ByteDance સુપ્રીમ કોર્ટમાં અપીલ કોર્ટના નિર્ણયને પડકારી શકે છે.